મહાનગરપાલિકામાં અનેક રજૂઆતો કરી છતાં કોઈ નિરાકરણ ન આવતા રહીશોમાં રોષમોરબી : મોરબીના દલવાડી સર્કલ પાસે આવેલા 25 વારીયામાં વરસાદી પાણી ભરાવા, ગટર, પાણી અને સ્ટ્રીટ લાઈટ સહિતના પ્રશ્ને અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. ત્યારે આજે ફરીથી મોરબી મહાનગરપાલિકાને લેખિત રજૂઆત કરવામાં આવી છે.આ રજૂઆતમાં જણાવાયું છે કે, દલવાડી સર્કલ પાસે 25 વારીયામાં વિવિધ સમસ્યાઓ બાબતે વોર્ડ નંબર 11ના કાઉન્સિલર રોહિતભાઈ કંઝારીયા, માવજીભાઈ કંઝારીયા, ભાવેશભાઈ કંઝારીયા અને હર્ષદભાઈને અનેક વખત અરજૂ કરવામાં આવી છે. ચોમાસામાં વરસાદી પાણી ભરાય છે. આ ઉપરાંત ભુગર્ભ ગટરની અલગ લાઈન હોવા છતાં 5 શેરીના જોડાણ કરાતા નથી. છેલ્લા પાંચ વર્ષથી સ્ટ્રીટ લાઈટ, ભુગર્ભ ગટર અને પાણી ભરાવાની સમસ્યા છે. આ અંગે અનેક વખત રજૂઆતો કરી છે. લાલાબાપાની દુકાન પાસે બન્ને શેરીમાં વરસાદી પાણી ભરાય છે. મેટલ કે તાસ નાખવામાં આવતો નથી. કાઉન્સિલર રોહિતભાઈ કંઝારીયા દર વખતે અરજીનો ફોટો મોકલવાનું કહે છે પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. મનપામાં પણ અનેક વખત અરજીઓ કરી છે. ગઈકાલે રાત્રે જણાવવામાં આવ્યું હતું કે, 15 સ્ટ્રીટ લાઈટ લઈને નાખવા આવે છે પરંતુ કોઈ આવ્યું નથી. મનપાના માણસો આવે છે અને સર્વે કરીને ચાલ્યા જાય છે. જો હવે કામગીરી કરવામાં નહીં આવે તો ગાંધીનગર સુધી રજૂઆત કરવામાં આવશે તેમ રહીશોએ જણાવ્યું છે.