પ્રજાએ અધિકારીને સાહેબ કહેવાનું નહિ, અધિકારી પ્રજાને જોઈ ઉભા થઇ સાહેબ કહેશે : તમામ ફરિયાદો માટે ઓનલાઈન સેવા શરૂ કરીશું, એક ખાડાની ફરિયાદ કરશો, જો ખાડો નહિ બુરાય તો બીજા દિવસે અધિકારી સસ્પેન્ડ : આપના પ્રદેશ પ્રમુખે સભામાં પોતાની સરકારનું વિઝન કર્યું રજૂમોરબી : મોરબીના પંચાસર રોડ ઉપર આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી દ્વારા આજે જાહેર સભા સંબોધવામાં આવી હતી. આ સભામાં તેઓએ ગુજરાતમાં પોતાની સરકાર બનશે તો શું કામ કરશે તેનો ચિતાર રજૂ કર્યો હતો. આ સાથે ભાજપ ઉપર આકરા પ્રહારો પણ કર્યા હતા. ઈશુદાન ગઢવીએ જણાવ્યું હતું જે જો ગુજરાતમાં અમારી સરકાર બનશે તો પ્રથમ અમે સાહેબગીરી બંધ કરાવીશું. કલેકટર હોય કે ડીવાયએસપી હોય કે અન્ય કોઈ અધિકારી, તેઓને સાહેબ કહેવાનું નહિ. અધિકારી પ્રજાને જોઈને ઉભા થઈને સાહેબ કહેશે. આમ પ્રજાને માલિક બનાવીશું. કોઈ પણ સરકારી દાખલા કઢાવવા હોય તો માત્ર એક મિસ કોલ મારો એટલે દાખલો ઘરે આવી જશે. ફરિયાદો માટે કચેરીના ધક્કા ખાવા નહિ પડે. ઓનલાઈન ફરિયાદ માટે સેવા શરૂ કરીશું. જેમાં ખાડાની ફરિયાદ મળે એટલે જો ખાડો ન બુરાઈ તો બીજા જ દિવસે અધિકારીને સસ્પેન્ડ કરીશું. તેઓએ કહ્યું કે આવનારા દિવસોમાં અમે ઉમેદવારો નક્કી કરીશું. ભાજપ કે કોંગ્રેસે વિચાર્યું ન હોય તેવા ઉમેદવારો ઉભા કરીશું. ઈશુદાન ગઢવીએ ભાજપ ઉપર આક્ષેપો કરતા કહ્યું કે સરકારી કચેરીમાં એક કામ ભ્રષ્ટાચાર વગર થાય તો હું ગુલામ બની જાવ. અહીં સભા સ્થળ પાસે કોમન પ્લોટ બચી ગયો છે. બાકી એ પણ ન બચે. આમ તો આપણે મંગળ ઉપર પહોંચી ગયા છીએ પણ અહીં તો હજી ખાડા- ખાડા રમે છે. હવે લોકો કહેવા લાગ્યા છે કે કામ કરો નહિતર વિસાવદર વાળી થશે. એક સીટ જીતે તેમાં આટલો ઉત્સાહ ન હોય પણ આ જીત જનતાના જુવાળ છે. 7 કરોડ લોકોને એમ હતું કે આ ભાજપની સીસ્ટમ સામે જીતી શકાય નહીં. પણ વિસાવદરમાં આમ આદમી પાર્ટીએ કરી બતાવ્યું છે એટલે હવે પ્રજામાં પણ હિંમત આવી ગઈ છે કે ભાજપને હરાવી શકાય છે. મારે રાજનીતિમાં વધુ રહેવુ નથી. આ ગંદી છે. અમને 5 વર્ષ નહિ માત્ર 5 દિવસ આપો. મુખ્યમંત્રીને કહું છું મને 5 દિવસ આપે તો અમેરિકાનો ટ્રમ્પ એમ કહી દેશે કે ગુજરાતમાં કામ થાય છે.આમ ઈશુદાન ગઢવીએ પોતાના સંબોધનમાં ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા હતા. આ વેળાએ આમ આદમી પાર્ટીના અગ્રણીઓ પંકજ રાણસરિયા, આપના જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ, વસંતભાઇ ગોરીયા, પંકજ આદ્રોજા, સહિતના ઉપસ્થિત રહ્યા હતા.