કોઈ પણ રાજકીય પક્ષની સભા હોય, લોકોને પોતાની વાણી સ્વાતંત્ર્યતાનો અધિકાર છે: કોંગ્રેસ પ્રમુખ મોરબી : મોરબીમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીની જાહેરસભા દરમિયાન એક ચોંકાવનારી ઘટના બની હતી. સભામાં હાજર એક નાગરિકે પ્રશ્ન પૂછતાં અન્ય એક વ્યક્તિએ તેને જાહેરમાં લાફો મારી દીધો હતો. આ ઘટનાની શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજ સિંહ જાડેજાએ સખ્ત શબ્દોમાં તેની નિંદા કરી છે.પુષ્પરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, 'આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ સહિતના કાર્યકરોની હાજરીમાં એક સામાન્ય નાગરિકે પોતાના મનમાં મૂંઝવતા સવાલો પૂછ્યા ત્યારે તેને જાહેરમાં, મીડિયા સમક્ષ ફડાકો મારવામાં આવ્યો. આ ઘટનાને હું સખ્ત શબ્દોમાં વખોડી કાઢું છું. આવું ન બનવું જોઈએ.'તેમણે ભારપૂર્વક જણાવ્યું કે જાહેરમાં કોઈ પણ રાજકીય પક્ષની સભા હોય, લોકોને પોતાની વાણી સ્વાતંત્ર્યતાનો અધિકાર છે અને તે અંતર્ગત તેઓ કોઈ પણ પ્રશ્ન પૂછી શકે છે. તેમણે જણાવ્યું કે જ્યારે પોલીસ પ્રશાસન પણ હાજર હતું, ત્યારે પ્રશ્ન પૂછનાર વ્યક્તિને જવાબ આપવો જોઈએ અથવા પ્રશાસનને જાણ કરવી જોઈએ, પરંતુ જાહેરમાં કોઈ વ્યક્તિ પર હાથ ઉપાડવો તે કેટલા અંશે વ્યાજબી છે. જાડેજાએ આ ઘટનાને 'નિંદનીય' ગણાવી અને તેની સખત શબ્દોમાં નિંદા કરી છે.