ઘરકંકાસમાં બોથડ પદાર્થના ઘા ઝીકી હત્યા કર્યાનું અનુમાન, પોલીસ બનાવ સ્થળે પહોંચીમોરબી : મોરબી તાલુકાના શનાળા નજીક આવેલ રાજપર ગામમાં ગત મોડીરાત્રે પાટીદાર સમાજના એક યુવાનની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે.ઘટનાની જાણ થતાં જ વહેલી સવારે પોલીસ બનાવ સ્થળે પહોંચી છે. યુવાનની હત્યા પાછળ ઘરકંકાસ કારણભૂત હોવાનું અને નજીકના પરિવારજનોએ જ બોથડ પદાર્થના ઘા ઝીકી દેતા મોત થયાનું સૂત્રો જણાવી રહ્યા છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના શનાળા નજીક આવેલ રાજપર ગામે રહેતા પ્રવીણભાઈ મોહનભાઇ અઘારા નામના યુવાનની ગત મોડીરાત્રે પાઇપ, ધોકા વડે બેફામ મારી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.ઘરમાં જ બનેલા આ બનાવ અંગે પોલીસને જાણ થતાં પોલીસ સવારે બનાવ સ્થળે પહોંચતા લોકોના ટોળેટોળા એકત્રિત થયા હતા. નજીકના સૂત્રોના જણાવ્યા મુજબ ઘરકંકાસમાં યુવાનની નજીકના ઘરના સભ્યોએ હત્યા કરી નાખી હોવાનું જાણવા મળે છે. યુવકની હત્યાના બનાવને લઈ નાના એવા રાજપર ગામમાં તરેહ તરેહની ચર્ચા ઉઠવા પામી છે.હાલ મોરબી તાલુકા પોલીસ દ્વારા ફરિયાદ નોંધવા તજવીજ શરૂ કરી છે.