ખાલી સવાલ પૂછ્યો ત્યાં મારવા ઉપર આવી ગયા : સવાલ પૂછનારે રોષ પ્રગટ કર્યોમોરબી : મોરબીમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીની જાહેર સભામાં એક વ્યક્તિએ સવાલ પૂછતાં અન્ય એક વ્યક્તિએ તેને ફડાકો ઝીકી દીધો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના બાદ જેને ફડાકો પડ્યો તે વ્યક્તિએ રોષ પણ પ્રગટ કર્યો હતો. મોરબીના પંચાસર રોડ ઉપર આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ આજે જાહેર સભા સંબોધી હતી. આ સભા દરમિયાન જ્યારે ઈશુદાન ગઢવી લોકોને સંબોધિત કરી રહ્યા હતા. ત્યારે ભરત ફુલતરીયા નામના એક યુવકે આગળ આવી પ્રશ્ન પૂછવાની વાત મૂકી હતી. જેથી તેને માઈક આપવામાં આવ્યું હતું. જો કે આ વ્યક્તિએ આકરા સવાલો પૂછતાં ત્યાં ઉભેલા લોકોએ માઈક છીનવવાનો પ્રયાસ કર્યો હતો અને આ વ્યક્તિને એક ફડાકો પણ ઝીકી દીધો હતો. આ મામલે ઈશુંદાન ગઢવીને પૂછવામાં આવ્યું કે ફડાકો મારનાર આપનો કાર્યકર હતો કે નહીં તો એમને જણાવ્યું કે અત્યારે એવું લાગતું નથી. કોઈ સામાન્ય પ્રજા હશે. વધુમાં તેઓએ કહ્યું કે આવું ન કરવું જોઈએ. પ્રશ્ન પૂછવાનો દરેકને અધિકાર છે. ભાજપે આ નિમ્ન કક્ષાની હરક્ત ન કરવી જોઈએ. સામી છાતીએ આવી ચૂંટણી લડવી જોઈએ.