સમસ્ત પાટીદાર સમાજની દીકરીઓ માટે ચલાવવામાં આવશે ક્લાસ મોરબી : મોરબીમાં ચાલતા દાંડિયા ક્લાસીસ સામે પાટીદાર સમાજે મોરચો માંડ્યો છે અને કેટલાક ક્લાસીસોમાં થતી અનૈતિક પ્રવૃત્તિઓને લઈને બે દિવસ પહેલા જ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સભામાં પાટીદાર સમાજ દ્વારા જ ગરબા ક્લાસ ચલાવવામાં ગરબા ક્લાસ ચાલુ કરવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારે આગામી તારીખ 9 ઓગસ્ટ ને રક્ષાબંધનના દિવસથી પાટીદાર પ્રાચીન ગરબા ક્લાસની શરૂઆત કરવામાં આવશે.કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ મોરબી દ્વારા પાટીદાર પ્રાચીન ગરબા ક્લાસ શરૂ થશે. મોરબીની પટેલ કન્યા છાત્રાલય ખાતે તારીખ 9 ઓગસ્ટ ને શનિવારે રક્ષાબંધનના દિવસથી રાત્રે 8:30 કલાકથી આ ગરબા ક્લાસ શરૂ થશે. જેમાં સમસ્ત પાટીદાર સમાજની દીકરીઓને ગરબા શીખવવામાં આવશે. ગરબા શીખવા માટે કોઈપણ પ્રકારના રજિસ્ટ્રેશનની જરૂર નથી. જે બહેનોએ આ ક્લાસમાં જોડાવું હોય તેમણે આધાર કાર્ડની ઝેરોક્ષ લઈને આવવા જણાવ્યું છે. આ ઉપરાંત જે દીકરીઓ કોરિયોગ્રાફર તરીકે રહેવા ઈચ્છુક હોય તેમણે બે દિવસમાં મો. નં. 9909060161 પર સંપર્ક કરવા જણાવ્યું છે.