મોરબી રોટરી ક્લબ અને મહાપાલિકા આયોજીત આ વર્કશોપમાં નિષ્ણાંતો દ્વારા બોન્સાઈ આર્ટ વિશે માર્ગદર્શન અપાયું મોરબી : મોરબી રોટરી ક્લબ અને મહાપાલિકાના સંયુક્ત ઉપક્રમે બોન્સાઈ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 50 જેટલા પર્યાવરણ પ્રેમીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય બોન્સાઈ કલા દ્વારા પર્યાવરણ જાગૃતિ લાવવાનો અને શહેરી વિસ્તારોમાં વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવાનો હતો.આ પ્રસંગે મોરબીના કમિશનર સ્વપ્નિલ ખરે અને ડેપ્યુટી કમિશનર સંજય સોની સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કમિશનરશ્રીએ જણાવ્યું હતું કે મહાપાલિકા બોન્સાઈ પ્રત્યે લોકોને જાગૃત કરવા માટે સક્રિય પ્રયાસો કરશે. વધુમાં, ભવિષ્યમાં મોરબી શહેરમાં જ્યાં મોટા વૃક્ષો ઉગાડવા શક્ય નથી, તેવી જગ્યાએ મહાપાલિકા દ્વારા બોન્સાઈ વૃક્ષો વાવવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી.આ વર્કશોપમાં સૌરાષ્ટ્ર બોન્સાઈ એસોસિયેશનના છ થી સાત સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે બોન્સાઈ કલા વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.બોન્સાઈ કલા શું છે?બોન્સાઈ એ એક જાપાનીઝ પદ્ધતિ છે, જેમાં મોટા વૃક્ષોને વામન સ્વરૂપમાં ઉગાડવામાં આવે છે. સામાન્ય રીતે, મોટા વૃક્ષોને ઘર આંગણે ઉગાડવા શક્ય નથી કારણ કે તેમના મૂળ તેમના કદ જેટલા જ વધે છે. જોકે, બોન્સાઈ આર્ટ દ્વારા આવા વૃક્ષોને માત્ર બે થી અઢી ઇંચની ઊંચાઈમાં ઉગાડી શકાય છે. તેમજ તેમાં ફળ ફ્રુટ પણ આવે છે. આ પદ્ધતિ વર્ષો સુધી ટકી રહે તેવી છે અને ઓછી જગ્યા ધરાવતા ફ્લેટ કે ઘરોમાં પણ સૂર્યપ્રકાશની હાજરી હોય તેવી જગ્યાએ બોન્સાઈ વૃક્ષો ઉગાડી શકાય છે. મોરબીમાં આ કલાને પ્રોત્સાહન આપવા માટે આયોજન કરવામાં આવ્યું છે, જેથી વધુને વધુ લોકો આ અનોખી કલા શીખી શકે અને પર્યાવરણ સંરક્ષણમાં પોતાનો ફાળો આપી શકે.