માળિયા (મિયાણા) : માળિયા (મિયાણા) તાલુકાના વવાણીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા વવાણીયા કુમાર શાળા ખાતે વિદ્યાર્થીઓમાં તમાકુના વ્યસન અંગેની જાગૃતિ અર્થે તા. 2-8-2025ના રોજ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વવાણીયા મેડિકલ ઓફિસરના માર્ગદર્શન દ્વારા આયોજિત આ સ્પર્ધામાં કુલ 108 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ પોતાની અલગ શૈલીમાં વ્યસનની અસરો અંગે સમજ આપતા ચિત્ર દોરવામાં આવ્યા. મેડિકલ ઓફિસર દ્વારા વિદ્યાર્થીઓને વ્યસનથી થતા નુકશાન તેની શારીરિક અસરો, આર્થિક અસરો અંગે સમજ આપવામાં આવી. વિદ્યાર્થીઓને પોતે વ્યસન મુક્ત રહેવા અને પોતાના પરિવારને વ્યસન મુક્ત બનાવવા અંગેનો સંકલ્પ લેવા અનુરોધ કર્યો હતો. ત્યારબાદ આ સ્પર્ધામાં વિજેતા થનાર પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે ઈનામ આપવામાં આવેલ, અને બધા જ વિદ્યાર્થીઓને નાસ્તો કરાવવામાં આવ્યો. સ્પર્ધાના અંતે શાળાના આચાર્ય દ્વારા કાર્યક્રમને અનુરૂપ પ્રવચન આપીને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વવાણીયાનો તથા ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબીનો આભાર વ્યક્ત કરીને કાર્યક્રમને પૂર્ણ કર્યો હતો.