સ્પેસને લગતા મોડેલ અને માહિતી, NASA અને ISROના મિશનોની માહિતી, આર્યભટ્ટ, ચંદ્રયાન, મંગલયાન સહિતના પ્રોજેક્ટ નિહાળવા મળશે મોરબી : આગામી તારીખ 4 અને 5 ઓગસ્ટના રોજ નવયુગ ગ્રુપ ઓફ કોલેજ દ્વારા મોરબી જિલ્લાના તમામ વિદ્યાર્થીઓ માટે સ્પેસ એક્ઝિબિશનનું ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું છે. નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રેસિડેન્ટ પી. ડી. કાંજીયાની પ્રેરણાથી સ્પેસમેન અને મહાન વૈજ્ઞાનિક ડૉ.વિક્રમ સારાભાઈની 106મી જન્મજયંતી નિમિત્તે તારીખ 4 અને 5 ઓગસ્ટના રોજ મોરબીના શનાળા સ્થિત પટેલ સમાજ વાડી ખાતે સવારે 9 થી 4 વાગ્યા સુધી ભવ્ય સ્પેસ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તમામ કૉલેજ અને સ્કૂલના વિદ્યાર્થીઓ, શિક્ષકો, વિજ્ઞાનપ્રેમીઓ, અંતરિક્ષ રસિયાઓ, વાલીઓ, તેમજ સમગ્ર મોરબી જિલ્લાના લોકો મુલાકાત લઈ શકશે.એક્ઝિબિશનમાં સ્પેસને લગતા મોડેલ અને માહિતી, NASA અને ISRO ના મિશનોની માહિતી, આર્યભટ્ટ, ચંદ્રયાન, મંગલયાન, આદિત્ય L1, જેવા દરેક સેટેલાઈટસ, RDAR system, સ્પેસ સ્ટેશન જેવા ઘણા બધા પ્રોજેક્ટ જોવા મળશે. ભવ્ય સ્પેસ એક્ઝિબિશનની વૈજ્ઞાનિક સફરના મુખ્ય મહેમાન તરીકે ડો. જે.જે. રાવલ કે જેઓ એક ખગોળશાસ્ત્રી છે જે હાલ મુંબઈના નહેરુ પ્લેન્ટેરિયમના ડાયરેક્ટર, જનસેવા કેન્દ્ર મુંબઈના પ્રેસિડેન્ટ, અને ઇન્ડિયન ફિઝિક્સ એસોસિએશનના વાઇસ ચેરમેન છે. આ સાથે એસ.એલ. ભોરણીયા જેઓ DIEPA- નવી દિલ્હીના સભ્ય રહી ચૂક્યા છે, તેમજ એમ. એમ. શાહ કોલેજના વાઇસ પ્રિન્સિપાલ રહી ચૂકયાં છે. ડો.જયંત જોશી જેઓ ઇસરોના રિટાયર્ડ સાયન્ટિસ્ટ છે. એમ. એમ. સાયન્સ કોલેજના પ્રોફેસર ડો.હિતેશ માંડવીયા અને આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્રના કો-ઓર્ડીનેટર દીપેન ભટ્ટ ઉપસ્થિત રહેશે અને દરેક વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારશે.