વાંકાનેર : વર્ષાઋતુમા હાલમાં મેઘવીરામની સ્થિતિ વચ્ચે ગરમીનું પ્રમાણ વધતા જ ગ્રામ્ય વિસ્તારમાં સરીસૃપના આંટાફેરા વધ્યા છે ત્યારે વાંકાનેર તાલુકાના નવા મહિકા ગામે ઘરમાં ભોંયતળિયે સુતેલા માતા અને પુત્રને ઝેરી સાપ કરડી જતા બન્નેના મૃત્યુ નિપજ્યા હતા.પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના નવા મહિકા ગામે રહેતા મૂળ પૂર્વ કચ્છના ભચાઉ તાલુકાના અધોઇ ગામના વતની કાજલબેન ઘોઘાભાઈ સોઢા ઉ.35 અને તેમના પુત્ર કિશન ઘોઘાભાઈ સોઢા ઉ.10 નામના બાળકને ઘરમાં ભોંયતળિયે સુતા હતા ત્યારે ઝેરી સાપ કરડી જતા સારવાર માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં ખસેડતા બન્નેને મૃત જાહેર કરાયા હતા.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.