શહેર કોંગ્રેસ પ્રમુખે ધારાસભ્યને ટોણો માર્યા બાદ વેપારીઓએ ખુલાસો કર્યો કે અમે સ્વખર્ચે બેન્ડવાજા મંગાવ્યા હતામોરબી : મોરબીમાં વિજય ટોકીઝથી સૌરાષ્ટ્ર હેર ડ્રેસર સુધીના રોડના લોકાર્પણમાં બેન્ડવાજા વગાડવામાં આવ્યા હતા. જેને લઈને શહેર કોંગ્રેસ પ્રમુખે ધારાસભ્ય સામે તીખા પ્રહારો કર્યા હતા. તો આજે વેપારીઓએ પણ આ મુદ્દે ખુલાસો કર્યો છે કે આ બેન્ડવાજા અમે સ્વખર્ચે બોલાવ્યા હતા. મોરબીમાં વિજય ટોકીઝથી સૌરાષ્ટ્ર હેર ડ્રેસર સુધીના રોડનું કામ પૂર્ણ થતાં ગઈકાલે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા તેમજ પૂર્વ કાઉન્સિલરો અને સ્થાનિકોની ઉપસ્થિતિમાં રોડને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જો કે આ વેળાએ મહાપાલિકાના અધિકારીઓની સૂચક ગેરહાજરી રહી હતી. બીજી તરફ આ લોકાર્પણ વેળાએ બેન્ડવાજા પણ વગાડવામાં આવ્યા હતા. જેને લઈને શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ એક વિડીયો જાહેર કરીને કહ્યું હતું કે શહેરના અનેક પ્રશ્નો છે. તેવામાં 100 મીટરના રોડના લોકાર્પણમાં બેન્ડવાજા વગાડવા કેટલા યોગ્ય છે ? જો કે શહેર કોંગ્રેસ પ્રમુખની પ્રતિક્રિયા બાદ વેપારીઓએ આજે એક વિડીયો જાહેર કર્યો છે. જેમાં તેઓએ એમ જણાવ્યું છે કે બેન્ડવાજા વેપારીઓએ પોતાના ખર્ચે બોલાવ્યા હતા. ધારાસભ્ય કાંતિલાલને તેઓએ નિમંત્રણ આપ્યું હતું. તેઓને ખબર ન હતી કે તેમનું બેન્ડવાજાથી સ્વાગત થવાનું છે. વેપારીઓએ બેન્ડવાજા એટલે બોલાવ્યા હતા કે અત્યાર સુધી ભારે હાલાકી પડી રહી હતી. ત્યારે આ રોડનું કામ પૂર્ણ થતાં વેપારીઓમાં ખુશીનો માહોલ હતો.