બાંધકામ મંજૂરી ન લીધી હોવાથી અને માર્જિન છોડ્યું ન હોવાથી કાર્યવાહી મોરબી : મોરબીના કન્યા છાત્રાલય રોડ ઉપર આજે મહાપાલિકા દ્વારા બે બિલ્ડીંગો સિલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. આ સાથે ત્યાં નોટિસ લગાવી સિલ ન તોડવાનો આદેશ જારી કરી દેવામાં આવ્યો છે. આ અંગે વિગતો આપતા ટાઉન પ્લાનીંગ શાખાના જુનિયર નગર નિયોજક શુભમ પટેલે જણાવ્યું કે કન્યા છાત્રાલય રોડ ઉપર પવનસુત ડેવલપર્સ દ્વારા બે એપાર્ટમેન્ટ બનાવવામાં આવી રહ્યા છે. તેઓએ બાંધકામની મંજૂરી લીધી ન હતી. આ સાથે માર્જિનની જગ્યા પણ છોડી ન હતી. અગાઉ પણ તેમને નોટિસો આપવામાં આવી હતી. બાદમાં ત્રણ દિવસ અગાઉ સિલની કાર્યવાહી માટે નોટિસ અપાઈ હતી. ત્યારબાદ આજે આ બે બિલ્ડીંગ સિલ કરી દેવામાં આવી છે.