ટેરીફની જાહેરાત થતા જ ઓર્ડરો ધડાધડ કેન્સલ, અનેક શિપમેન્ટ રોકાયા હોવાના અહેવાલ : ટેરીફ 7 દિવસ મુલતવી રાખવાની આજે જાહેરાત થતા હજુ વેપારને લઈ ભારે અવઢવમોરબી : મોરબીનો સિરામિક ઉદ્યોગ દર વર્ષે અમેરિકામાં અંદાજે રૂ.1600 કરોડની ટાઇલ્સની નિકાસ કરે છે. તેવામાં ટ્રમ્પે ભારત ઉપર 25 ટકા ટેરીફ લાગુ કરવાનો બૉમ્બ ફોડતા સિરામિક ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે. ટેરીફની જાહેરતથી અમેરિકાથી ધડાધડ ઓર્ડરો કેન્સલ થવા લાગ્યા છે. ઉપરાંત અનેક શિપમેન્ટો પણ રોકાઈ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. ભારતથી આયાત થતી પ્રોડક્ટ ઉપર અમેરિકાએ 25 ટકા ટેરિફની જાહેરાત કરી છે. નવા ટેરિફદર આજથી લાગુ થવાના હતા. જો કે આ નવા દર 7 દિવસ મુલતવી રાખવાનો આજે નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. ઉદ્યોગકારોના જણાવ્યા અનુસાર સિરામિક ટાઇલ્સ ઉપર પહેલાંથી જ અમેરિકામાં 9 ટકા ઈમ્પોર્ટ ડ્યૂટી અને 3 ટકા એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લાગે છે. ઉપરાંત છેલ્લા ત્રણેક મહિનાથી 10 ટકા ટેરીફ લગાવામાં આવી રહ્યો છે. એટલે અત્યારે ટાઇલ્સ ઉપર 22 ટકા ટેક્સનું ભારણ લાગે છે. પણ હવે 25 ટકા ટેરિફની જાહેરાત થતાં મોરબીના સિરામિક ઉદ્યોગના માલ પર કુલ 37 ટકા ટેક્સ ચૂકવવો પડશે. અમેરિકામાં અન્ય જે દેશો પાસેથી સિરામિક પ્રોડક્ટ આયાત કરે છે. તેની સાપેક્ષે ભારત ઉપર વધુ ટેરિફ લગાવામાં આવ્યો હોવાથી ત્યાંની માર્કેટમાં ટકી રહેવું હવે મુશ્કેલ બનશે. આ ટેરીફની જાહેરાત થતા વેંત જ અમેરિકાના આયતકારો દ્વારા ઓર્ડર ધડાધડ કેન્સલ કરવામાં આવ્યા છે. ઉપરાંત શિપમેન્ટ પણ રોકી દેવાયા હોવાનું જાણવા મળે છે.હાલ અમેરિકાએ ટેરીફ 7 દિવસ માટે મુલતવી રાખી ત્યારબાદ ટેરીફ લાગુ કરવાની જાહેરાત કરી છે. હવે 7 દિવસ દરમિયાન વાટાઘાટો થાય અને અમેરિકા ટેરીફ હળવો કરે તેવી સિરામિક ઉદ્યોગકારોને આશા છે. જો ટેરીફ હળવો નહિ થાય તો ત્યાંના વેપારમાં મોટો ફટકો પડશે તેવી ભીતિ સેવાઈ રહી છે. અમેરિકા ટાઇલ્સની કુલ આયાતમાંથી 10 ટકા જેટલી આયાત ભારતમાંથી કરે છેમોરબીના સિરામિક ઉદ્યોગો વર્ષે અંદાજે રૂ. 1600 કરોડની ટાઇલ્સ અમેરિકામાં નિકાસ કરે છે. અમેરિકાની ટાઇલ્સની કુલ નિકાસ રૂ.17 હજાર કરોડ છે. આમ અમેરિકા તેની ટાઇલ્સની કુલ આયતમાંથી 9.50થી 10 ટકા જેટલી ટાઇલ્સ ભારતમાંથી આયાત કરે છે. ટાઇલ્સ બનાવતા અન્ય દેશો ઉપર ઓછો ટેરીફહાલમાં અમેરિકા દ્વારા જે રીતે જુદા જુદા દેશ પર ટેરિફના નવા દર લાગુ કરવામાં આવી રહ્યા છે એમાં જો ખાસ કરીને સિરામિક પ્રોડક્ટનું ઉત્પાદન કરતા હોય એવા દેશની વાત કરીએ તો ભારત પર 25 ટકા લાગુ કરવામાં આવ્યો છે. જ્યારે તુર્કી ઉપર 10 ટકા, ઈટાલી અને સ્ટેન ઉપર 15 ટકા અને વિયેતનામ ઉપર 20 ટકા ટેરિફ લાગુ કરવામાં આવ્યા છે. આ ટેરીફનો દર ભારત કરતા ઓછો હોવાના લીધે ત્યાંની સિરામિક પ્રોડક્ટ સસ્તી થશે. જેની સીધી અસર મોરબીના સિરામિક ઉદ્યોગને થશે.