આઇકોનિક સી.સી. રોડ માટે રૂ.૫.૫૭ કરોડની સૈદ્ધાંતિક મંજૂરી: રોડમાં ૧ મીટરના ડિવાઇડર સાથે આઇકોનિક સ્ટ્રીટ લાઇટ પોલ, બંને બાજુ લગભગ ૭ મીટરનો કેરેઝ-વે, સ્ટ્રોમ વોટર લાઇન અને બંને બાજુ લગભગ ૧.૫ મીટરના ફૂટપાથ હશેમોરબી : મોરબીમાં રવાપર વિસ્તારમાં SP ચોકડીથી આલાપ પાર્ક સુધીના આઇકોનિક સી.સી.રોડ માટે ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા રૂ. ૫.૫૭ કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. જેથી આ વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા હળવી બનશે.મોરબી મહાપાલિકાની સિવિલ અને સિટી બ્યુટિફિકેશન શાખા દ્વારા જારી કરાયેલી અખબારી યાદી અનુસાર, હાલમાં રવાપર વિસ્તાર, SP રોડ પરની સોસાયટીઓના રહેવાસીઓ અને આસપાસની અન્ય સોસાયટીઓને કેનાલ રોડથી લીલાપર રોડ સુધી જવા માટે વર્ધમાન એપાર્ટમેન્ટથી આલાપ પાર્ક થઈને લીલાપર રોડ સુધીનો માત્ર એક જ રસ્તો ઉપલબ્ધ છે, જેના કારણે ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. આ સમસ્યાના નિરાકરણ માટે, SP ચોકડીથી આલાપ પાર્ક સુધી આઇકોનિક સી.સી. રોડ બનાવવા માટેનો વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) સરકારને સુપરત કરવામાં આવ્યો હતો, જેને મંજૂરી મળી છે. આ નવા આઇકોનિક રોડમાં ૧ મીટરનો ડિવાઇડર સાથે આઇકોનિક સ્ટ્રીટ લાઇટ પોલ, બંને બાજુ લગભગ ૭ મીટરનો કેરેઝ-વે, સ્ટ્રોમ વોટર લાઇન અને બંને બાજુ લગભગ ૧.૫ મીટરના ફૂટપાથનો સમાવેશ થાય છે.મહાનગરપાલિકાના સિટી એન્જિનિયર દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ નવો રોડ બનવાથી રવાપર વિસ્તાર અને SP રોડના રહેવાસીઓ તેમજ આસપાસની તમામ સોસાયટીઓની ટ્રાફિકની સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થશે આમ આ યોજનાથી શહેરીજનોને નવીન સુવિધા મળશે તેમ મહાપાલિકાની યાદીમાં જણાવેલ છે.