ઇન્સ્ટગ્રામમાં જાહેરાત જોયા બાદ ફોન નંબર ઉપર કોલ કરતા જ ગઠિયાઓને શિકાર મળી ગયોટંકારા : રૂપિયા 50 હજારમાં ભારતભરની હોટલમાં 25 રાત્રીનું રોકાણ કરવાની લોભામણી લાલચમાં આવી ગયેલા ટંકારા તાલુકાના મોટા ખીજડિયા ગામના તલાટી કમ મંત્રીએ આ સ્કીમમાં નાણાં ભરી કાશ્મીર ફરવા જવાનો પ્લાન બનાવતા ગઠિયાઓએ તલાટી મંત્રીને છેતરી લઈ 50 હજાર હડપ કરી જતા બનાવ અંગે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા તાલુકાના મોટા ખીજડિયા ગામે તલાટી મંત્રી તરીકે ફરજ બજાવતા રવિભાઈ કિશોરભાઈ ગોસાઈએ અજાણ્યા બે મોબાઈલ નંબર ધારક તેમજ બે બેન્ક એકાઉન્ટ ધારકો વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.9 ફેબ્રુઆરીના રોજ તેઓએ ઇન્સ્ટાગ્રામમાં HORIVEN રિસોર્ટની જાહેરાત જોઈ હતી જેમાં ભારતભરમાં પાંચ વર્ષ સુધી 25 હોટલ અને રિસોર્ટમાં રહેવા જમવાની સુવિધા ફક્ત રૂપિયા 50 હજારમાં ઓફર કરવામાં આવતા રવિભાઈએ પોતાનો મોબાઈલ નંબર મોકલી વાત કરતા જ ગઠિયાઓના જાસ્સામાં આવી ગયા હતા. બાદમાં આ HORIVEN રિસોર્ટના નામે બે અલગ અલગ વ્યક્તિએ વાત કરતા રવિભાઈએ કાશ્મીર જવા પેકેજ લઈ 50 હજાર ભર્યા હતા. જો કે, નાણાં ભર્યા બાદ વળતા મેસેજમાં તેઓનું કાશ્મીર પેકેજ ટ્રાફિકના કારણે રદ કરવામાં આવ્યું હોવાનો મેસેજ આવતા ફરિયાદી છેતરાયા હોવાનો અહેસાસ થતા હોરીવન રિસોર્ટના નંબર પર કોલ કરતા જવાબ મળ્યા ન હતા ઉપરાંત ઇન્સ્ટાગ્રામ પેજ પણ ખુલતું ન હોય છેતરાયેલ રવિભાઈ ગોસાઈએ સાયબર ક્રાઈમ હેલ્પલાઈનમાં અરજી કરતા અરજીને આધારે ટંકારા પોલીસ મથકમાં ચાર શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધાયો છે.