જિલ્લામાં મગફળી, અજમો, મગ, અડદ અજમાના વાવેતરમાં ઘટાડો થયો : જિલ્લામાં 3.04 લાખ હેક્ટરમાં થયું ખરીફ પાકનું વાવેતર : સૌથી વધુ કપાસનું 2.07 લાખ હેક્ટરમાં વાવેતર મોરબી : મોરબી જિલ્લામાં સમયસર ચોમાસાના આગમન સાથે સમગ્ર જિલ્લામાં ખરીફ પાકનું વાવેતરકાર્ય પૂર્ણ થયું છે. જો કે, ગત વર્ષની તુલનાએ ઓણસાલ ખરીફ પાકના વાવેતર વિસ્તારમાં 12 હજાર હેકટરથી વધુનો ઘટાડો થયો છે. જો કે, માગ્યા મેહ વરસી રહ્યા હોય ચાલુ વર્ષે લહેરાતા મોલ જોઈ ખેડૂતો ખુશખુશાલ બન્યા છે. જિલ્લામાં સૌથી વધુ કપાસનું વાવેતર થયું છે. બીજી તરફ જિલ્લામાં આ વર્ષે અજમો, અડદ, મગ, શાકભાજી અને ઘાસચારાના વાવેતરમાં મોટો ઘટાડો થયો છે.મોરબી જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગના સતાવાર આંકડા મુજબ વર્ષ 2025ની ખરીફ મોસમમાં મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં કુલ 3,04,516 હેકટર જમીનમાં ખરીફ પાકોનું વાવેતર થયું છે જેમાં સૌથી વધુ કપાસનું વાવેતર થયું છે. જિલ્લાના પાંચેય તાલુકામાં કુલ 2,07,679 હેકટર જમીન ઉપર કપાસનો પાક લહેરાઇ રહ્યો છે. ઓણસાલ મગફળીનો વાવેતર વિસ્તાર 1 હજાર હેકટર જેટલો ઘટ્યો છે. આ વર્ષ જિલ્લામાં મગફળીનું 68,871 હેકટર વાવેતર થયું છે. ગત વર્ષે 69,471 હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું હતું. જિલ્લામાં આ વર્ષે બાજરીનું 54 હેક્ટરમાં, તુવેરનું 1466 હેક્ટરમાં વાવેતર થયું છે.આ ઉપરાંત મોરબી જિલ્લામાં 423 હેક્ટરમાં તલ, 2665 હેક્ટરમાં દિવેલા એટલે કે, એરંડા, 927 હેકટર જમીનમાં સોયાબીન, 146 હેકટર જમીનમાં ગુવાર, 3206 હેક્ટરમાં શાકભાજી, 14,407 હેકટર જમીનમાં ઘાસચારો, 165 હેકટર જમીનમાં શેરડી તેમજ 3500 હેકટર જમીનમાં અજમાનું વાવેતર થયું છે. નોંધનીય છે કે, જિલ્લામાં ચાલુ વર્ષમાં કુલ વાવેતર હેઠળનો વિસ્તાર ઘટ્યો છે જેમાં શેરડી, ઘાસચારો, સોયાબીન, તલ, અડદ,મગ, તુવેર તેમજ બાજરીના વાવતેરમાં મોટા પ્રમાણમાં ઘટાડો જોવા મળ્યો છે.ક્યાં તાલુકામાં મગફળી-કપાસનું કેટલું વાવેતર તાલુકો મગફળી કપાસ મોરબી 14,780 58,250 માળીયામિયાણા 350 44,200 વાંકાનેર 3875 45,299 હળવદ 26,585 41,730 ટંકારા 20,600 18,200 કુલ 68,890 2,07,679