રોટરી ક્લબ અને મહાપાલિકાનું સંયુક્ત આયોજન : સૌરાષ્ટ્ર બોનસાઈ એસોસિએશનના નિષ્ણાંતો આપશે સંપૂર્ણ માર્ગદર્શન મોરબી : શુ આપને ખ્યાલ છે કે કોઈ પણ વિશાળ વૃક્ષોનું એક સાચું જ દોઢથી બે ફૂટનું નાનું સ્વરૂપ પણ બની શકે છે. જેને બોનસાઈ વૃક્ષ કહેવામાં આવે છે. વિશ્વ આખામાં આ વૃક્ષનો ટ્રેન્ડ ખૂબ વધ્યો છે. ત્યારે મોરબીના આંગણે આગામી રવિવારે પ્રથમવાર બોનસાઈ વૃક્ષનો નિઃશુલ્ક સેમિનાર થવા જઈ રહ્યો છે.રોટરી ક્લબ અને મોરબી મહાનગરપાલિકા દ્વારા આગામી તા. 3 ઓગસ્ટને રવિવારના રોજ બપોરે 4થી 7 દરમિયાન મોરબીના શક્તિ પ્લોટ મેઈન રોડ પર મોરબી મહાનગરપાલિકાના કોમ્યુનિટી હોલ ખાતે બોનસાઈ વર્કશોપ યોજાશે. આ વર્કશોપમાં સૌરાષ્ટ્ર બોનસાઈ એસોસિએશનના નિષ્ણાંતો બોનસાઈ વૃક્ષ વિશે સંપૂર્ણ માર્ગદર્શન આપશે. આ વર્કશોપ નિઃશુલ્ક છે. આ વર્કશોપ માટે મોરબી મ્યુનિસીપલ ગાર્ડન સમિતિએ સહકાર આપ્યો છે.વર્કશોપમાં બોન્સાઇ એકસપર્ટસ વિનોદરાય મોઢા, રાજેશભાઇ કનેરિયા, ચેતનભાઇ સિંધવ, મુઝમિલ પઠાણ, રોહિતભાઇ ભુવા સહિતના ઉપસ્થિત રહેશે. આ વર્કશોપને સફળ બનાવવા મોરબી મ્યુનિસીપલ કોર્પોરેશન, રોટરી કલબ ઓફ મોરબી તેમજ સોનલ શાહ (પ્રોજેકટ ચેરમેન), અમિત પટેલ (પ્રેસીડન્ટ), હોઝેફા લાકડાવાલા (સેક્રેટરી) સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે. આ અંગે રોટરી ક્લબમાં પબ્લિક ઇમેજ ચેરમેનરશેષભાઈ મહેતાએ જણાવ્યું કે બોનસાઈ વૃક્ષ એ જાપાની ટેક્નિકથી તૈયાર થાય છે. અત્યારે ઘર નાના થઈ ગયા છે. જેથી આ વૃક્ષો ઘરમાં એકદમ ઓછી જગ્યામાં સરળતાથી રહી શકે છે. આ વૃક્ષમાં એકદમ નેચરલ ફળ - ફૂલ પણ આવે છે. તેને પાણી ઓછું જોઈએ છે. આ વૃક્ષ દોઢથી બે ફૂટનું થાય છે.