રોડ વચ્ચે બાઈક ઉભું રાખવા મામલે ટ્રાફિક પોલીસે મેમો આપતા બબાલ થઈમોરબી : મોરબી શહેરની વાવડી ચોકડીએ ટ્રાફિક નિયમન સમયે એક દંપતીએ રોડની વચ્ચે બાઈક ઉભું રાખી દેતા ટ્રાફિક પોલીસે દંપતીને નિયમભંગ સબબ મેમો આપતા ઉશ્કેરાઈ ગયેલ દંપતીએ પોલીસમેન ઉપર હુમલો કરી માથામાં મોબાઈલ ફટકારી માથું ફોડી નાખતા ફરજમાં રુકાવટ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધાવામાં આવ્યો હતો.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી ટ્રાફિક પોલીસમા ફરજ બજાવતા જીજ્ઞેશભાઈ પ્રવીણભાઈ લાંબા ઉ.31 નામના પોલીસ કોન્સ્ટેબલે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી દર્શનભાઈ નવનીતભાઈ જાદવ અને તેમના પત્ની દિશાબેન દર્શનભાઈ જાદવ રહે.બન્ને નાની વાવડી, મોરબી વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગઈકાલે સાંજના સમયે વાવડી ચોકડીએ તેઓ ફરજ ઉપર ટ્રાફિક નિયમન કરાવી વારાફરતી સાઈડ ખોલ બંધ કરતા હતા ત્યારે આરોપી દર્શનભાઈ અને તેમના પત્ની સાઈડ બંધ હોવા છતાં રોડ વચ્ચે આવી ઉભા રહી અન્ય વાહન માટે અડચણરૂપ બનતા નિયમ મુજબ ટ્રાફિક નિયમભંગ બદલ મેમો આપવા કાર્યવાહી કરી હતી.જેથી દંપતીને સારું નહિ લાગતા ઝઘડો કરી તેમનો કાંઠલો પકડી ગાળા ગાળી કરી ઝપાઝપી કરી હતી અને બાદમાં માથાના ભાગે મોબાઈલ મારી ઇજા પહોંચાડતા બનાવ અંગે જાણ થતાં ટ્રાફિક શાખાના પીએસઆઇ સહિતનો કાફલો આવી ગયો હતો. ટ્રાફિક પોલીસ ઉપર હુમલાની આ ઘટનામાં સીટી એ ડિવિઝન પોલીસે દંપતી વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.