મોરબી : આજ રોજ મોરબીની દરબારગઢ પીએમશ્રી તાલુકા શાળા નં. 2ની વિદ્યાર્થિનીઓએ જિલ્લા કક્ષાની વિવિધ સરકારી કચેરીઓની મુલાકાત લીધી હતી. બેગલેસ ડે અંતર્ગત શાળાની વિદ્યાર્થિનીઓએ મોરબી જિલ્લાની પોલીસ અધિક્ષકની કચેરી, જિલ્લા સેવા સદન, જિલ્લા પંચાયત ભવનની મુલાકાત લીધી હતી. વિવિધ કચેરીઓના વિવિધ વિભાગો, તેમના પેટા વિભાગોની કાર્યપદ્ધતિ, કચેરીઓના વડાઓએ વિદ્યાર્થિનીઓને માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારીએ વિદ્યાર્થિનીઓને પોતાની ચેમ્બરમાં બોલાવી ઉચ્ચ ધ્યેય પ્રાપ્ત કરવા માર્ગદર્શન આપ્યું હતું. પોલીસ અધિક્ષકની કચેરીમાં સમગ્ર મોરબીનું જયાંથી ત્રીજી આંખ મારફત મોનિટરિંગ થઈ રહેલ છે તે નેત્રમ વિભાગની મુલાકાત લીધી હતી. વિદ્યાર્થિનીઓએ શિષ્યવૃતિ જે કચેરી મારફતે મળે છે તે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીની કચેરીમાં માર્ગદર્શન મેળવ્યું હતું. એ ઉપરાંત આપત્તિ વ્યવસ્થાપન, બાળ સુરક્ષા એકમ, શિક્ષણ શાખા વગેરેની મુલાકાત લઇ વિદ્યાર્થિનીઓના જ્ઞાનમાં વધારો થયો હતો. તમામ કચેરીઓનો મુલાકાત આપવા બદલ શાળા પરિવારે આભાર વ્યક્ત કર્યો હતો.