ઉમા સંસ્કારધામમાં 6 મહિનામાં 242 લગ્નો કરાવાયા : અહીં વર અને કન્યા બંને પક્ષ પાસેથી ટોકન રૂપે માત્ર રૂ. 5100 રૂપિયા જ લેવામાં આવે છે, જેમાં બંને પક્ષના 111-111 મળી કુલ 222 મહેમાનોના જમણવારની પણ વ્યવસ્થા કરાઈ છે, દીકરીને તમામ પ્રકારનો કરિયાવર પણ ભેટમાં અપાયમોરબી : આજના સમયે માતા-પિતાને સંતાનના અભ્યાસના ખર્ચની સાથોસાથ લગ્નના ખર્ચની ચિંતા વધી રહી છે. દીકરા કે દીકરીના લગ્નના ખર્ચાને પહોંચી વળવા માટે માતા-પિતા ગમે તેમ કરીને બચત હોય કે ન હોય છતા રૂપિયા ભેગા કરે છે અને હોંશે હોંશે ધામધૂમથી સમાજમાં દેખાદેખીને કારણે અઢળક નાણા વેડફી નાખે છે. સદ્ધર પરિવારો તો ઠીક પરંતુ આર્થિક નબળા પરિવારો પણ આ દેખાદેખીમાં પીસાઈ છે અને ના છૂટકે લગ્નમાં બેફામ રૂપિયા ખર્ચી નાખે છે. આજના સમયે પ્રિ-વેડિંગ, ડેકોરેશન, પાર્ટી પ્લોટ, જમણવાર વગેરેમાં સૌથી વધુ રૂપિયા ખર્ચાય છે. ત્યારે લગ્ન માટે થતા આવા ખોટા ખર્ચા બંધ કરી જ્યાં જરૂર છે ત્યાં જ ખર્ચો થાય તે સમાજની માંગને સમજી આદર્શ લગ્ન હેઠળ પાટીદાર સમાજના દીકરા દીકરીઓને ટંકારાના લજાઈ ખાતે આવેલા ઉમા સંસ્કાર ધામ ખાતે ઉમા આદર્શ લગ્ન હેઠળ વિધિપૂર્વક સંતોષકારક રીતે લગ્ન કરાવી અપાય છે અને આ વિચારને પાટીદાર સમાજ હોંશે હોંશે વધાવ્યો છે. અત્યારના સમયમાં સામાન્ય પરિવારના આંગણે જ્યારે લગ્ન પ્રસંગ હોય એટલે બન્ને પક્ષોમાં ઓછામાં ઓછો રૂ.5થી 10 લાખનો ખર્ચ તો થાય જ છે. ત્યારે ઉમા સંસ્કાર ધામે માત્ર છ મહિનામાં જ 242 લગ્ન કરાવ્યા છે. એક લગ્ન પાછળ બન્ને પક્ષોનો ખર્ચ રૂ.5 લાખ ગણવામાં આવે તો પણ ઉમા આદર્શ લગ્નની પહેલથી પાટીદાર સમાજનો અધધધ રૂ.10 કરોડથી પણ વધુનો ખર્ચ બચ્યો છે. આ અંગે મોરબી અપડેટ સાથેની વાતચીતમાં એ.કે. પટેલે જણાવ્યું હતું કે, ગત જાન્યુઆરી માસથી એટલે કે માત્ર છ-સાત મહિનામાં જ ઉમા આદર્શ લગ્ન હેઠળ 242 યુગલો લગ્ન ગ્રંથિથી જોડાયા છે. લજાઈ પાસે આવેલા ઉમા સંસ્કાર ધામ ખાતે લગ્ન સમારોહનું આયોજન થાય છે. જ્યાં બે મેરેજ હોલ અને રસોડાનું નિર્માણ કરવામાં આવ્યું છે. વર અને કન્યા બંને પક્ષ પાસેથી ટોકન રૂપે માત્ર રૂપિયા 5100 રૂપિયા જ લેવામાં આવે છે. એટલું જ નહીં બંને પક્ષના 111-111 મળી કુલ 222 મહેમાનોના જમણવારની પણ વ્યવસ્થા કરાઈ છે. દીકરીને તમામ પ્રકારનો કરિયાવર પણ ભેટમાં અપાય છે. આ ઉપરાંત બ્રહ્મદેવની વ્યવસ્થા, લગ્ન માટે જરૂરી પૂજાપો વગેરે તદ્દન મફતમાં પૂરું પાડવામાં આવે છે. આ માટે શરત એટલી છે કે યુગલમાંથી કોઈ એક મોરબી જિલ્લાના વતની હોવા જરૂરી છે.વધુમાં એ.કે. પટેલે જણાવ્યું કે, ઉમા આદર્શ લગ્નની આદર્શ વ્યવસ્થાથી જ લોકો આકર્ષાયા છે. અહીં દરરોજ બે લગ્નનું આયોજન થાય છે. તેમજ વર્ષે 365 લગ્ન થાય તે અમારો ધ્યેય છે. ઉમા આદર્શ લગ્ન માટે પાટીદાર સમાજના મોભી જેમાં પ્રમુખ તરીકે બેચરભાઈ હોથી, ઉપપ્રમુખ તરીકે ત્રંબકભાઈ ફેફર તથા ચેરમેન તરીકે એ.કે. પટેલ અને ટ્રસ્ટી મંડળ કાર્યરત છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પાટીદાર સમાજની સાથે સાથે અન્ય સમાજ પણ આ વિચારથી પ્રેરાય તો લોકો લાખો રૂપિયાનો ખોટો વેડફાટ અટકાવી શકે છે. સંસ્થાના અન્ય બે હોલ જે અન્ય હોલની જેમ લોકો પોતાના પ્રસંગમાં રૂપિયા 51,000 માં બુક કરાવી શકે છે. એટલે કે રાંદલ ઉત્સવ, ગોત્રીજ, સગાઈ લગ્ન વગેરે પ્રસંગ માટે બુક કરાવવા ઉમા સંસ્કાર ધામના સંચાલકો, દાતાઓએ અપીલ કરી છે.