બોગસ સોગંદનામુ અને વારસાઈ આંબો તૈયાર કરનાર તેમજ જમીન ખરીદનાર વિરુદ્ધ નોંધાઈ હતી ફરિયાદ મોરબી : માળીયા મિયાણા તાલુકાના સરવડ ગામે બોગસ સોગંદનામા અને બોગસ વારસાઈ આંબાને આધારે બોગસ ખેડૂત ખાતેદાર બની ગયા હોવાના બનાવમાં સીઆઇડીએ સરવડ ગામના તત્કાલિન તલાટી કમ મંત્રીની ધરપકડ કરી હતી. તેઓને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે તા.31 સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રહેવાસી કે.ડી.પંચાસરા ઉર્ફે લંકેશ નામના વ્યક્તિએ મોરબી જિલ્લા કલેકટરને લેખિત ફરિયાદ કરી સરવડ ગામના રહેવાસી મહેશ પ્રભાશંકર રાવલે વર્ષ 2022મા ખોટું સોગંદનામું, ખોટો વારસાઈ આંબો બનાવી પોતાની સગી પુત્રી ન હોવા છતાં પણ મોરબીમાં રહેતા હંસાબેન નામના મહિલાને સોગંદનામામાં તેમજ વારસાઈ આંબામાં પુત્રી તરીકે દર્શાવી બોગસ ખેડૂત ખાતેદાર બનાવ્યા હોવાની ફરિયાદ કરતા બનાવ અંગે જિલ્લા કલેકટર મોરબી અને માળીયા મિયાણા મામલતદારે તપાસ કરી હતી. જે તપાસના અંતે માળીયા મામલતદારે સરવડ ગામના તલાટી કમ મંત્રીને ફોજદારી ફરિયાદ નોંધાવવા આદેશ આપતા માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી.આ પ્રકરણમાં સીઆઇડી ક્રાઇમે સરવડ ગામના તત્કાલિન તલાટી કમ મંત્રી આરોપી ભરતભાઇ દેવજીભાઈ ખોખર રહે. મેલડી કૃપા, કન્યા છાત્રાલય પાછળ યદુનંદન-22 મોરબી વાળાની ધરપકડ કરી હતી. તેમને આજે માળીયાની કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે તેમના તા.31 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે.