મોરબી : મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે. એસ. પ્રજાપતિ સરકારી પ્રાથમિક શાળાના બાળકો સ્પર્ધાત્મક પરીક્ષાઓ CET, CGMS, NMMS, PSE વગેરેમાં સારો દેખાવ કરે અને મેરીટમાં સમાવેશ થઇ વિવિધ પ્રકારની સરકારી સ્કીમનો લાભ મેળવે તે માટે સતત પ્રયત્નશીલ છે. જે અંતર્ગત મોરબી જિલ્લાની આમરણ crcની આમરણ નવાપરા પ્રાથમિક શાળામાં નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં સરકારી શાળામાં ભણતા બાળકોને મફત શિક્ષણની સાથે CET, CGMS, NMMS, PSE વગેરે જેવી સ્પર્ધાત્મક પરીક્ષાનું કોચિંગ મફત મેળવે તે માટે ગામના જ ઉત્સાહી શિક્ષક કાસુન્દ્રા જયસુખભાઇ તથા ઊંટબેટ પ્રાથમિક શાળાના શિક્ષક જાદવ ફોફરિયા દિલીપભાઈ અને આમરણ ઉચ્ચતર માધ્યમિક શાળાના નવનિયુક્ત શિક્ષક હિતેષભાઇ પાથ્થર દ્વારા દર રવિવારના રોજ સ્વેચ્છાએ ધો. 5 થી 8 બાળકો શાળામાં આવે અને બધી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાતાં પ્રશ્નો અંતર્ગત કોમન જ્ઞાન મેળવે તે માટે વર્ગની શરૂઆત કરી છે. આ સાથે જ આમરણમાં રહેતા અન્ય શાળાના સરકારી શિક્ષકો પણ પોતાની સેવા આપશે. આ વર્ગનું આયોજન આમરણ નવાપરા પ્રાથમિક શાળાના આચાર્ય ગાંભવા હિતેષભાઇ અને crc co. ભરતભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ છે. તેમ આમરણ crc ભરતભાઈ પટેલની યાદીમાં જણાવવામાં આવ્યું છે. આ વર્ગનું છેલ્લા 6 રવિવારથી આયોજન થઈ રહ્યુ છે.