શહેરની ટ્રાફિક સમસ્યા હળવી કરવા આ પુલ બનાવવાની માંગ : રામઘાટથી ન્યુ પેલેસ અને કાલીકાઘાટથી મહાપ્રભુની બેઠક સુધીના નવા પુલો બનાવવા પણ જરૂરી મોરબી : મોરબી શહેરની વધતી જતી ટ્રાફિક સમસ્યાને હળવી કરવા માટે મચ્છુ નદી પર શાંતિવન આશ્રમથી વેજીટેબલ રોડ સુધી પુલ બનાવવાની જાહેરાત થઈ છે. પરંતુ આ પુલની પહેલા લીલાપર રોડથી ભડીયાદ રોડને જોડતો પુલ બનાવવો જરૂરી હોવાનું જણાવી પાટીદાર યુવા સેવા સંઘ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને વિસ્તૃત રજૂઆત કરવામાં આવી છે. જેમાં લીલાપર રોડ (વિદ્યુત સ્મશાન) થી ભડીયાદ રોડ (સાયન્સ કોલેજ પાસે) ને જોડતા પુલને પ્રથમ અગ્રતા આપવાની માંગ કરી છે.રજૂઆતમાં જણાવાયું છે કે મોરબી 1 થી મોરબી 2 તરફ જવા માટે મચ્છુ નદી પર બીજા પુલ માટે રાજ્ય સરકારે રૂ. 39.38 કરોડના ખર્ચે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે, જે આવકારદાયક પગલું છે. જોકે, ટ્રાફિક સમસ્યાના સાચા નિવારણ માટે આ પુલ ક્યાં બનવો જોઈએ તે અંગે યોગ્ય સર્વેક્ષણ કરવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે.મોરબીને સિરામિક નગરી તરીકે ઓળખવામાં આવે છે, જ્યાં મોરબી સિટીમાં રહેતા લોકો અને મોરબી-2 તરફ આવેલી સિરામિક ફેક્ટરીઓ વચ્ચે રોજિંદો મોટો વાહનવ્યવહાર રહે છે. મોટાભાગના ઉદ્યોગપતિઓ રવાપર રોડ પર રહેતા હોવાથી, લીલાપર રોડથી ભડીયાદ રોડ પર પુલ બનવાથી તેમને અવરજવરમાં ઘણી સરળતા રહેશે અને મોટાભાગનો ટ્રાફિક હળવો થશે તેવી અપેક્ષા છે. પાટીદાર યુવા સેવા સંઘનું કહેવું છે કે રવાપર રોડથી સામા કાંઠે રોજ એક હજારથી વધુ કારની અવરજવર થાય છે, અને આ માર્ગ તેમના માટે સૌથી અનુકૂળ છે.સંઘે માંગ કરી છે કે સૌપ્રથમ લીલાપર રોડથી ભડીયાદ રોડ પરના પુલનું કામકાજ શરૂ કરવામાં આવે. ત્યારબાદ શાંતિવન આશ્રમથી રીલીફનગર રોડ, રામઘાટથી ન્યુપેલેસ અને કાલીકાઘાટથી મહાપ્રભુની બેઠક સુધીના નવા પુલો બનાવવામાં આવે. સંપૂર્ણ મોરબીને ટ્રાફિક મુક્ત કરવા માટે કુલ ચાર નવા પુલોની જરૂરિયાત દર્શાવવામાં આવી છે, જેમાં લીલાપર રોડથી ભડીયાદ રોડના પુલને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા માંગ કરવામાં આવી છે.રજૂઆતમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે જો મોરબી સિરામિક એસોસિએશન, અન્ય વ્યાપારી એસોસિએશનો કે ઉદ્યોગપતિઓને પૂછવામાં આવે તો તેઓ પણ સૌપ્રથમ આ પુલની માંગણી કરશે.