મોરબી : મોરબી જિલ્લામાં અનેક ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ પણ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. ત્યારે મોરબીના ખાનપર થી પીઠડ જવાનો રસ્તો અતિ ખરાબ હાલતમાં છે. રોડ પર મોટા મોટા ખાડા પડી ગયા છે. વાહનચાલકોને વાહન લઈને ચાલવામાં પણ મુશ્કેલી પડી રહી છે. વરસાદી સિઝન હોવાથી ખાડામાં પાણી ભરાયેલા રહે છે.મહત્વનું છે કે, ખાનપરથી પીઠડ સુધીના રસ્તા પર પીઠડ, પડાણા, કૃષ્ણનગર, કોયલી અને રામગઢ સહિતના ગામો આવેલા છે. આ રસ્તા પરથી દરરોજ મોટી સંખ્યામાં લોકો મોરબી સુધી અપડાઉન કરે છે. વિદ્યાર્થીઓ અને રોજગાર માટે અનેક લોકો આ રસ્તા પરથી અવર જવર કરે છે. ત્યારે તમામ લોકોને ખરાબ રસ્તાના કારણે ભારે હાલાકી પડી રહી છે. ત્યારે લોકો કહી રહ્યા છે કે, આ રસ્તાનું સમારકામ કરવા અંગે અનેક વખત તંત્રને રજૂઆત કરી હતી. પરંતુ કોઈ કામગીરી કરવામાં આવી નથી. જો ચૂંટાયેલા ધારાસભ્ય, સાંસદ સભ્ય આ રસ્તા પરથી પસાર થાય તો તેઓને આ રસ્તાની હાલતની સાચી ખબર પડે. ત્યારે તાત્કાલિક ધોરણે આ રસ્તાનું સમારકામ અથવા નવો રસ્તો બનાવવામાં આવે તેવી ઉગ્ર માગ ઉઠવા પામી છે.