માળીયા મિયાણાના સરવડ ભવાઈ મંડળના નાયકે 50 વર્ષ સુધી ભવાઈ કલામાં પોતાનો જીવ રેડી દીધો : તેઓએ અમેરિકા, ઈગ્લેન્ડ, વેસ્ટઈન્ડિઝ અને સુરીનામ જેવા દેશોમાં પણ ભવાઈ કલા રજૂ કરી હતીમોરબી : આજના આધુનિક યુગમાં ઓટીટી પ્લેટફોર્મ અને મોબાઈલને કારણે સિનેમાઘરના અસ્તિત્વ સામે પણ સવાલો ઉભા થયા છે ત્યારે આટલા પડકારો વચ્ચે પણ ભવાઈ કલાને સાચવી રાખનાર મોરબી જિલ્લાના માળીયા મિયાણા તાલુકાના સરવડ ભવાઈ મંડળના નાયક એવા ભરતભાઈ અગોલાએ ચિરવિદાય લેતા ભવાઈ કલાનો વધુ એક સિતારો ખરી પડયો છે.માળીયા મિયાણા તાલુકાના નાનાભેલા ગામના વતની અને હીરજી કેશવજી સરવડ ભવાઈ મંડળના છેલ્લા સિતારા એવા નાયક ભરતભાઇ અગોલા(વ્યાસ)એ અંતિમશ્વાસ લેતા કલાકાર આલમમાં શોકની લાગણી છવાઈ છે. ઉલ્લેખનીય છે કે, નાયક ભરતભાઈએ બચપણથી જ ભવાઈ ક્ષેત્રે પદાર્પણ કર્યું હતું અને જિંદગીના 50 વર્ષ ભવાઈ કલા પાછળ ગાળ્યા હતા. તેઓને ગુજરાત ગૌરવ પુરષ્કાર પણ મળ્યો હતો.ભવાઈ કલાના સરતાજ ગણાતા ભરતભાઈ અગોલાએ મોરબી સહિત દેશભરમાં ભવાઈ કલા રજૂ કરવાની સાથે વિદેશમાં અમેરિકા, ઈગ્લેન્ડ,વેસ્ટઈન્ડિઝ સુરીનામ જેવા દેશોમાં પણ પોતાની કલાના કામણ પાથર્યા હતા. ભવાઈ કલામાં નિપુણ ભરતભાઈએ મૈયારીનો વેશ, છતર મોતીના ખેલ, સીસા નૃત્ય તેમજ અલગ પાત્રોમાં પ્રખ્યાતી મેળવી હતી. તેમની અણધારી વિદાયથી ભાવિ કલાનો સિતારો ખરી પડ્યો છે.