ઢોકળા, દાળ -ઢોકળી, સુખડી તેમજ ચોખા, ચણા અને તુવેરદાળ સહિતના નમૂના લેવાયામોરબી : મોરબી શહેર જિલ્લામાં મિલાવટ ખોરી સામે પગલાં ભરી રહેલા ફૂડ વિભાગ દ્વારા શહેર-જિલ્લાની જુદી-જુદી આંગણવાડી, મધ્યાહન ભોજન યોજના કેન્દ્ર ખાતેથી અલગ અલગ તૈયાર ખોરાક તેમજ ઘઉં,ચોખા, ચણા અને તુવેરદાળ સહિતના કાચા ધાન્યના નમૂના લઇ ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા સાથે જ માતૃશક્તિ અને બાળભોગ સહિત 60 નમૂના લેવામાં આવ્યા હતા.જાણવા મળતી વિગતો મુજબ મોરબી ફૂડ વિભાગની ટીમ દ્વારા તાજેતરમાં ટંકારા તાલુકામાં અલગ -અલગ છ સ્થળોએથી નમૂના લેવામાં આવ્યા હતા જેમાં મિતાણા, પ્રભુનગર, ધ્રુવનગર, હરીપર, ટંકારા કન્યા તેમજ ટંકારા કુમાર શાળાના મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રો ખાતેથી દાળ ઢોકળી, ઢોકળા, ચણા, સુખડી, દાળ - ભાત સહિતના નમૂના લેવામાં આવ્યા હતા.આ ઉપરાંત ફૂડ વિભાગે ઘઉં,ચોખા, ચણા અને તુવેરદાળ સહિતના કાચા ધાન્યના નૂમના મેળવી તપાસણી માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા.ઉલ્લેખનીય છે કે, મોરબી ફૂડ વિભાગ દ્વારા વર્ષ 2024-25માં કુલ 174 નમૂના લઈ ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલ્યા હતા. જે પૈકી 3 નમૂના ફેઈલ થયા હતા. ચાલુ વર્ષે 2025-26માં ફૂડ વિભાગે અલગ -અલગ આઈસ્ક્રીમ, કોલ્ડ્રિંક્સ તેમજ હાઇવે પરની હોટેલમાં મળી 60 જેટલા નમૂના લઇ પૃથકરણ માટે મોકલ્યા છે. વધુમાં અત્યાર સુધીમાં મોરબી ફૂડ વિભાગ દ્વારા કરવામાં આવેલ કામગીરી બાદ 27 કેસમાં કાર્યવાહી ચાલુ હોવાનું સત્તાવાર સૂત્રો જણાવી રહ્યા છે. હાલમાં લેવામાં આવેલ નમૂનાઓમાં ફૂડ વિભાગે સગર્ભા બહેનોને આપવામાં આવતા માતૃશક્તિ અને બાળકો માટેના બાળભોગના પન્ન નમૂના લીધા હોવાનુ જાહેર કર્યું હતું.