મોરબીથી વર્ષે અંદાજીત રૂ.850 કરોડની ટાઇલ્સની યુકેમાં નિકાસ, હવે ડ્યુટી ઘટવાના કારણે નિકાસમાં ઉછાળો આવવાના સંકેત મોરબી : ભારત અને યુકે વચ્ચે થયેલા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટમાં ટાઇલ્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેથી હવે મોરબીના સિરામિક ઉદ્યોગોને ફાયદો થવાનો છે. જો કે અહીં મોટા પ્રમાણમાં ટાઇલ્સની નિકાસ પહેલેથી જ થઈ રહી છે. પણ હવે ડ્યુટી ઘટતા આ નિકાસમાં ઉછાળો આવે તેવી સંભાવના છે. 24 જુલાઈના રોજ ભારત અને યુકેએ મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા છે. વર્ષ 2022થી આ અંગે વાટાઘાટો ચાલી રહી હતી. ત્યારે અંતે આ મુક્ત વેપાર કરાર માટે બન્ને દેશોએ મન બનાવી લેતા ભારતના અનેક ઉદ્યોગોને ફાયદો થવાનો છે. આ કરાર હેઠળ ભારતથી નિકાસ થતો 99% માલ યુકેમાં શૂન્ય ટેરિફ પર નિકાસ કરવામાં આવશે. જ્યારે યુકેનો 99% માલ 3% સરેરાશ ટેરિફ પર આયાત કરવામાં આવશે. આને કારણે 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપાર બમણો થઈને 120 બીલીયન ડોલર થવાની ધારણા છે.આ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને કારણે યુકેથી આયાત થતી લકઝરી કાર, વ્હીસ્કી -જિન તેમજ અન્ય અનેક વસ્તુઓ પણ સસ્તી થવાની છે. સામે ભારતથી ખેત જણસો, ફાર્મા પ્રોડક્ટ, ડાયમંડ અને સિરામિક સહિતની પ્રોડક્ટની નિકાસ પણ એકદમ સરળ બનશે. ગુજરાતના નાના અને મધ્યમ ઉદ્યોગો માટે આ કરાર ગેમ-ચેન્જર સાબિત થવાનો છે. શૂન્ય-ડ્યુટી પ્રવેશ અને સરળ બજાર પ્રવેશથી ગુજરાતના ઉદ્યોગો વૈશ્વિક સ્તરે વધુ સ્પર્ધાત્મક બનશે. આ કરાર ગુજરાતના ઉદ્યોગો અને નિકાસકારો માટે આર્થિક વૃદ્ધિનો નવો અધ્યાય ખોલશે.આ કરારમાં સિરામિક ઉદ્યોગનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. હાલ મોરબીથી વર્ષે અંદાજે રૂ.850 કરોડની સિરામિક ટાઇલ્સની નિકાસ થાય છે. મોરબીથી ટાઇલ્સની નિકાસમાં યુકે પાંચમા ક્રમે છે. પણ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટના કારણે હવે ટાઇલ્સની નિકાસ ઉપર લાગતી ડયુટીમાં ઘટાડો આવશે તેવી આશા છે. ઉપરાંત અમુક સમય બાદ ક્રમશઃ ડ્યુટી ઘટતી જાય તેવી પણ શકયતા છે. જો કે આ મામલે કેન્દ્ર સરકાર દ્વારા સિરામિક ટાઇલ્સની ડ્યુટીમાં કેટલો ઘટાડો થશે તે અંગે કોઈ ચોક્કસ વિગતો જાહેર કરી નથી. હાલ યુકેમાં ભારતીય ટાઇલ્સ ઉપર 4 ટકા ડ્યુટી અને 20 ટકા વેટ લાગે છે હાલ મોરબીમાંથી ટાઇલ્સની યુકે નિકાસ કરવામાં આવે છે. તેના ઉપર ત્યાં 4 ટકા ડ્યુટી અને 20 ટકા વેટ લાગે છે. આ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટથી સિરામિક ઉદ્યોગને ડ્યુટીમાં રાહત મળવાની છે. બીજી તરફ યુકેમાં ચીન ઉપર 50થી 60 ટકા જેવી એન્ટીડમ્પિંગ ડ્યુટી લગાવવામાં આવેલી છે. જેથી યુકે ટાઇલ્સની ખરીદીમાં મોરબી તરફ જ ઝુકાવ રાખશે તેવી આશા છે.વડાપ્રધાન અને કોમર્સ મિનિસ્ટરનો આભાર વ્યક્ત કરતા નિલેશભાઈ જેતપરીયાકેપેક્સિલના સિરામિક પેનલના વાઇસ ચેરમેન નિલેષ જેતપરીયાએ યુકે અને ભારતના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટમા મોરબીની સિરામિક પ્રોડકટને સમાવવા બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ કોમર્સ મીનીસ્ટર પિયુષ ગોયલનો મોરબી સિરામિક ઉદ્યોગકારો તેમજ કેપેકસીલ વતી આભાર માન્યો છે. તેઓએ જણાવ્યું કે આ ટ્રેડ ડીલથી મોરબીના સિરામિક ઉદ્યોગને પ્રોત્સાહન મળશે અને યુકેમા ભારતીય ટાઇલ્સ ઉપર લાગતી ડયુટી બચતા તે માર્કેટમા વેપાર વધશે. જેના કારણે આ ઉદ્યોગ સાથે જોડાયેલ લાખો લોકોને પણ લાભ મળશે.