મહિલા આરોપી શાંતાબેન ઉંમરલાયક હોવાથી સાંભળવામાં પણ તકલીફ, વિધવા સહાયની પ્રક્રિયા કરાવ્યાનું રટણ, રિમાન્ડ પૂર્ણ થતા જેલહવાલે કરાયામોરબી : મોરબીના ચકચારી વજેપર રેવન્યુ સર્વે નંબર 602ની કરોડોની કિંમતી ખેતીની જમીન ગેરકાયદેસર રીતે વારસાઈ નોંધ કરાવી બાદમાં દસ્તાવેજ કરી પચાવી પાડવાના પ્રકરણમાં અગાઉ ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. હવે મુખ્ય આરોપી એવા સાગર ફુલતરિયાની દિલ્હીથી અટકાયત કરવામાં આવી છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના વજેપરમાં સર્વે નંબર-૬૦૨ની જમીનમા બોગસ ડોક્યુમેન્ટના આધારે વારસાઈ નોંધ કરાવી હડપ કરવા મામલે મોરબી શહેર એ ડિવીઝન પોલીસ મથકમાં શાંતાબહેન મનજીભાઈ પરમાર અને તરઘરી ગામના સરપંચ સાગર અંબારામ ફુલતરિયા સહિતના લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.જેમાં અગાઉ સીઆઇડી ક્રાઈમ દ્વારા આરોપી ભરત દેગામા અને હેતલ ભોરણીયાની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ શાંતાબેન મનજીભાઇ પરમાર (ઉ.વ.70) રહે. લાભનગર, વેજીટેબલ રોડ, મોરબી અને સાગર નવઘણભાઇ સાવધાર (ઉ.વ.39) રહે. રબારીવાસ, મોરબીવાળાની ધરપકડ કરાઈ હતી. જે અંગે વિગતો આપતા ડીવાયએસપી આર.એસ.પટેલે જણાવ્યું કે શાંતાબેન ભણેલા નથી. તેઓ સાંભળી પણ શકતા નથી. તેઓના અંગૂઠાના નમૂના લેવાયા છે. જે ડોક્યુમેન્ટ સાથે મેચ થાય છે. તેમની પૂછપરછ દરમિયાન તેઓએ વિધવા સહાયનું ફોર્મ ભર્યાનું રટણ કર્યું હતું. બીજી તરફ મુખ્ય આરોપી એવા સાગર ફૂલતરીયાને દિલ્હીથી ડિટેઇન કરવામાં આવ્યો છે.