ભવાની સિરામિકથી લઈને એસ્ટ્રોન સિરામિક સુધી ઠેર ઠેર ગંદકી: દુર્ગંધથી સ્થાનિકો પરેશાન મોરબી : મોરબીના સામા કાંઠા વિસ્તારમાં સો-ઓરડી ચોકથી એસ્ટ્રોન સુધીના રોડ પર થોડા મહિના પહેલા મહાપાલિકા દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરી રસ્તો ખુલ્લો કરાયો હતો અને નવો રસ્તો બનાવવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી હતી. જોકે, આ રસ્તા પર હાલ સફાઈનો અભાવ જોવા મળી રહ્યો છે.ભવાની સિરામિકથી લઈને એસ્ટ્રોન સિરામિક સુધી ઠેર ઠેર કચરાના ગંજ ખડકાયેલા જોવા મળે છે. મહાપાલિકા દ્વારા આ કચરો ઉપાડવામાં આવતો ન હોવાથી સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કચરાના ઢગલાને કારણે સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ રહી છે, જેના કારણે રહેવું પણ મુશ્કેલ બન્યું છે. ત્યારે સ્થાનિકો દ્વારા આ અંગે મહાપાલિકાને તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવા અને સફાઈ વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે માંગણી કરવામાં આવી છે.