શાંતાબેન પરમાર અને સાગર સાવધારની ધરપકડ બાદ હવે રિમાન્ડ મેળવવાની તજવીજ : તરઘરીના સરપંચ હજુ પોલીસ પકડથી દૂર મોરબી : મોરબીના ચકચારી વજેપર રેવન્યુ સર્વે નંબર 602ની કરોડોની કિંમતી ખેતીની જમીન ગેરકાયદેસર રીતે વારસાઈ નોંધ કરાવી બાદમાં દસ્તાવેજ કરી પચાવી પાડવાના પ્રકરણમાં વધુ બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ બન્ને આરોપીને રિમાન્ડ ઉપર લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના વજેપરમાં સર્વે નંબર-૬૦૨ની જમીનમા બોગસ ડોક્યુમેન્ટના આધારે વારસાઈ નોંધ કરાવી હડપ કરવા મામલે મોરબી શહેર એ ડિવીઝન પોલીસ મથકમાં શાંતાબહેન મનજીભાઈ પરમાર અને તરઘરી ગામના સરપંચ સાગર અંબારામ ફુલતરિયા સહિતના લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.જેમાં અગાઉ સીઆઇડી ક્રાઈમ દ્વારા આરોપી ભરત દેગામા અને હેતલ ભોરણીયાની ધરપકડ કરવામાં આવી હતી. સીઆઇડીના ડીવાયએસપી આર.એસ. પટેલ અને તેની ટીમે આ ગુનામાં મુખ્ય મહિલા આરોપી શાંતાબેન મનજીભાઇ પરમાર (70) રહે. લાભનગર વેજીટેબલ રોડ મોરબી અને સાગર નવઘણભાઇ સાવધાર (39) રહે. રબારીવાસ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને આ બંને આરોપીઓના રિમાન્ડ લેવા માટેની તજવીજ હાથ ધરવામાં આવેલ છે.નોંધનીય છે કે, ચકચારી વજેપર ૬૦૨ જમીન કૌભાંડમાં મુખ્ય આરોપી એવા તરઘરી ગામના સરપંચ સાગર ફુલતરિયા પોલીસ પકડથી દૂર હોય આરોપીની સીઆઇડી ક્રાઈમ દ્વારા શોધખોળ ચાલુ હોવાનું જાણવા મળે છે.