અમે અગાઉ પણ સીએમથી લઈ રેન્જ આઈજી સુધી રજૂઆતો કરી છે, અત્યારે અમને એમ કહ્યું કે અઠવાડિયા પછી તમને બોલાવીશું, બધા ગોળ ગોળ જવાબ આપે છે, અમને ન્યાય મળે એવું લાગતું નથી : અરજદારમોરબી : ગૃહમંત્રી હર્ષ સંઘવી મોરબી આવ્યા છે. એસપી કચેરી ખાતે તેઓ અરજદારોને સાંભળ્યા હતા. આ દરમિયાન એક અરજદારે વર્ષ 2022માં પીઆઈએ જુગારની ખોટી રેડ પાડી ફસાવ્યા હોવાના આક્ષેપ સાથે ગૃહમંત્રીને રજુઆત કરી છે. પરંતુ અરજદારનું કહેવું એવું છે કે બધે ગોળ ગોળ જવાબ મળે છે. અમને ન્યાય મળે એવું લાગતું નથી. અરજદાર નિલેશભાઈ સંઘાણીએ આ અંગે વિગતો આપતા જણાવ્યું કે 24/07/2022માં એ ડિવિઝનના પીઆઇ પંડ્યાએ તેઓને ખોટા જુગાર કેસમાં ફસાવ્યા હતા. બધાને પોત-પોતાના ઘરેથી ઉપાડીને લઈ ગયા તેના સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવા પણ છે. અગાઉ મેં મુખ્યમંત્રીને રજુઆત કરી છે. હર્ષ સંઘવીને પણ બે વખત રજુઆત કરી છે. આ ઉપરાંત રેન્જ આઈજીના લોકદરબારમાં પણ ફરિયાદ કરી છે. આજે ગૃહમંત્રીને સમગ્ર વિગતો જણાવી હતી અને કહ્યું હતું કે તમે અત્યારે પીઆઇ પંડયાને બોલાવો, જો તેઓ જુગાર રમતા હતા તે સાબિત કરી આપે તો મને ફાંસી આપજો. અને હું આ કેસ ખોટો હતો તે સાબિત કરી આપું તો તેમને સસ્પેન્ડ કરજો. મને ગૃહમંત્રીએ એવું કહ્યું કે તમને આવતા અઠવાડિયે બોલાવીશું. અગાઉ ટંકારામાં જુગાર તોડ કાંડ થયું તેમાં આકરી કાર્યવાહી કરવામાં આવી હતી. તેમાં તો જુગાર રમાતો હતો છતાં પણ તોડ કરવા બદલ પીઆઇ સામે કાર્યવાહી થઈ હતી. અમે તો જુગાર રમતા ન હતા છતાં ખોટો કેસ કર્યો પણ પીઆઇ સામે કાર્યવાહી કરવા વાળું કોઈ નથી. આમ એકને ગોળ અને બીજાને ખોળ જેવી નીતિ છે.અંતમાં અરજદારે જણાવ્યું કે અમને ન્યાય મળે એવું લાગતું નથી. બધા જ ગોળ ગોળ વાતો કરે છે.