ચરાડવા સુધીની બસ ચાલુ કરવાની માંગ સાથે વિદ્યાર્થીઓ રસ્તા ઉપર ઉતર્યા : એસટી વિભાગે કાલથી બસ શરૂ કરવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યોહળવદ : મહેન્દ્રનગર બાદ હળવદમાં પણ વિદ્યાર્થીઓએ એસટી બસના પ્રશ્ને ચક્કાજામ કર્યો હતો. જો કે એસટી વિભાગે આવતીકાલથી ચરાડવા સુધીની બસ શરૂ કરવાની ખાતરી આપતા વિદ્યાર્થીઓએ ચક્કાજામ હટાવ્યો હતો. હળવદથી ચરાડવા સુધી હાલ અંદાજે 70થી વધુ વિદ્યાર્થીઓ અપડાઉન કરે છે. છેલ્લા 5 વર્ષથી વિદ્યાર્થીઓને આ રૂટ ઉપર બસ ન હોવાથી ભારે હાલાકી પડી રહી છે. વખતોવખત રજૂઆતો કરવા છતાં પણ એસટી વિભાગે બસ શરૂ ન કરતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા. જેથી હરિદર્શન ચોકડી ખાતે આજે બપોરે 12:30 વાગ્યે વિદ્યાર્થીઓએ ચક્કાજામ કર્યો હતો. ચક્કાજામને પગલે એસટી વિભાગ દ્વારા આવતીકાલથી ચરાડવા સુધીની બસ શરૂ કરવાની ખાતરી આપવામાં આવતા બપોરે 2 વાગ્યે ચક્કાજામ હટ્યો હતો. આમ અંદાજે દોઢેક કલાક જેટલો ચક્કાજામ ચાલ્યો હતો. વિદ્યાર્થીઓએ એવું પણ કહ્યું છે કે જો હજુ આવતીકાલથી બસ શરૂ કરવામાં નહિ આવે તો ફરી આવતીકાલે પણ ચક્કાજામ કરવામાં આવશે.