વિવિધ શિવાલયોમાં શ્રાવણ માસ દરમિયાન અલગ અલગ ધાર્મિક કાર્યક્રમોનું આયોજનલઘુરુદ્ર, ભંડારો, મેળો, મહાઆરતી, લાઈટિંગ, શણગાર, મહાપ્રસાદ, ફરાળ પ્રસાદ સહિતનું આયોજનમોરબી : આવતીકાલે તારીખ 25 જુલાઈ ને શ્રાવણ સુદ-1 થી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે. શ્રાવણ મહિનો શિવભક્તિ માટે ખાસ માનવામાં આવે છે. શિવ ઉપાસકો દ્વારા આખો મહિનો ભગવાન ભોળાનાથની આરાધના કરીને વિશેષ પૂણ્યનું ભાથું બાંધવામાં આવે છે. ત્યારે શ્રાવણ માસને લઈને મોરબીના વિવિધ શિવ મંદિરોમાં વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. આવતીકાલથી શરૂ થતાં શ્રાવણ માસને લઈને શિવ મંદિરોમાં તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. કાલે વહેલી સવારથી જ તમામ શિવાલયોમાં હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠશે અને શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જામશે. ત્યારે આ વિશેષ અહેવાલમાં જોઈએ કે, મોરબીના શિવાલયોમાં શ્રાવણ માસ દરમિયાન કેવા કેવા કાર્યક્રમો યોજાશે.અગ્નેશ્વર મહાદેવ મંદિર (એલ.ઈ. કોલેજ રોડ- મોરબી)મોરબીના એલ.ઈ. કોલેજ રોડ પર આવેલા પૌરાણિક અગ્નેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસને લઈને વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. મોરબી અપડેટ સાથેની વાતચીતમાં અગ્નેશ્વર મહાદેવ મંદિરના જેઠાલાલ મહારાજે જણાવ્યું હતું કે, શ્રાવણ માસને લઈને મંદિરે આકર્ષક ડેકોરેશન કરવામાં આવ્યું છે. શ્રાવણ માસ દરમિયાન દરરોજ મંદિરે પૂજા, આરતી અને બ્રહ્મ ભોજન સહિતના કાર્યક્રમો થશે. આ ઉપરાંત શ્રાવણ માસના બીજા મંગળવારે દર વર્ષની પરંપરા પ્રમાણે ભંડારો યોજાશે જેમાં આશરે 2 હજાર જેટલા ભાવિકો પ્રસાદ લેશે.શોભેશ્વર મહાદેવ મંદિર (સામાકાંઠે- મોરબી)મોરબીના સામાકાંઠે આવેલા સ્વયંભૂ શોભેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસમાં વિવિધ કાર્યક્રમો યોજાશે. આ અંગે શોભેશ્વર મહાદેવ મંદિરના જીજ્ઞેશપરી બાપુએ મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, શ્રાવણ માસ દરમિયાન દરરોજ સવારે 6-30 કલાકે અને સાંજે 7-30 કલાકે મહાઆરતી થશે. આ ઉપરાંત દિપમાળા પણ યોજાશે. આખો મહિનો દરરોજ અલગ અલગ શણગાર કરવામાં આવશે, જેમ કે, ફૂલ, કઠોળ, ચોકલેટ, ફ્રૂટ, મિઠાઈ વગેરેથી શણગાર કરાશે. દરરોજ સવારે મંદિરે ધૂન યોજાશે. બપોરે દર્શનાર્થીઓ માટે મહાપ્રસાદનું આયોજન પણ કરાયું છે. શ્રાવણ મહિના દર સોમવારે સાંજે ફરાળ અને ભોજન પ્રસાદનું આયોજન ભાવિકો માટે કરાયું છે. પ્રથમ બે સોમવારે મંદિરે મેળો પણ યોજાશે. આ ઉપરાંત સાતમ-આઠમના કાનુડાની મઢુલી બનાવવામાં આવશે અને આરતી કરવામાં આવશે. કૃષ્ણ જન્મોત્સવની પણ ઉજવણી થનાર છે. આ ઉપરાંત મંદિરે રૂદ્ર અભિષેક, શીતળા સાતમની પૂજા થશે, ભાવિકો દ્વારા ધ્વજા પણ ચડાવવામાં આવશે. દર વર્ષે મંદિર પાસે આવેલા રાફડા ઉપર નાગપંચમીના દિવસે નાગદેવતા દર્શન પણ આપતા હોય છે.નિલકંઠ મહાદેવ મંદિર (શંકર આશ્રમ- મોરબી)મોરબીના શંકર આશ્રમની જગ્યામાં આવેલા પૌરાણિક સ્વયંભૂ નિલકંઠ મહાદેવ મંદિરમાં પણ શ્રાવણ મહિનો ભક્તિભાવથી ઉજવવામાં આવશે. આ અંગે મોરબી અપડેટ સાથેની વાતચીતમાં મંદિરના ગુલાબગીરી બાપુએ જણાવ્યું હતું કે, મંદિરને લાઈટિંગથી શણગારી દેવાયું છે. શ્રાવણ માસમાં મંદિરે દરરોજ સવારે મંગળા આરતી થશે, લઘુરૂદ્ર થશે અને સાંજે મહાપૂજા અને દિપમાળાનું આયોજન થશે. બપોરે ભક્તો તરફથી થાળ અને બ્રહ્મભોજન પણ રાખવામાં આવશે. શ્રાવણના દર સોમવારે મહાઆરતી કરવામાં આવશે. સાથે જ મોરબીવાસીઓ બાર જ્યોતિર્લિંગના દર્શન કરી શકે તે માટે બાર જ્યોતિર્લિંગ દર્શનનું પણ આયોજન ચાલી રહ્યું છે જો શક્ય હશે તો મોરબીવાસીઓ તેના પણ દર્શન કરી શકશે. આ ઉપરાંત શ્રાવણ વદ-13ના દિવસે ભંડારાનું આયોજન છે. વિશેષમાં પૂજા, અભિષેક પણ કરાશે. આ સાથે જ ફૂલકાજળી, નાગ પાંચમ, સાતમ-આઠમ જેવા તહેવારોની પણ ઉજવણી થશે.આ ઉપરાંત મોરબીના અન્ય શિવાલયો જેમ કે, સ્ટેશન રોડ પર આવેલ જડેશ્વર મહાદેવ મંદિર, ટંકારાના લજાઈ સ્થિત ભીમનાથ મહાદેવ મંદિર, વાંકાનેર સ્થિત મોટા જડેશ્વર મહાદેવ મંદિર, તીથવા સ્થિત ભંગેશ્વર મહાદેવ મંદિર, મોરબીના ગ્રીન ચોક પાસેના કુબેરનાથ મહાદેવ મંદિર, ભડીયાદ રોડ પર આવેલ જંગલેશ્વર મહાદેવ મંદિર અને પૌરાણિક રફાળેશ્વર મહાદેવ મંદિરે પણ આસ્થાભેર અને ભક્તિભાવપૂર્ણ માહોલમાં શ્રાવણ મહિનાની ઉજવણી થશે.