પ્રમુખ, નિયામક, વહીવટી અધિકારી અને નાણાકીય સલાહકાર જેવા મહત્ત્વના પદો ભરવાની માંગરાજકોટ: રાજકોટ AIIMS (ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ) માં પ્રમુખ, નિયામક, વહીવટી અધિકારી અને નાણાકીય સલાહકાર જેવા મહત્ત્વના પદો ખાલી હોવાને કારણે હોસ્પિટલના સુચારુ સંચાલનમાં પડતી મુશ્કેલીઓ અંગે આજે નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જે.પી. નડ્ડાજી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.રાજ્યસભાના સાંસદો કેસરીદેવસિંહ ઝાલા અને રામભાઈ મોકરીયા દ્વારા આ રજૂઆત કરવામાં આવી હતી. તેમણે મૌખિક તેમજ લેખિતમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે આ ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવામાં આવે તે અત્યંત જરૂરી છે, જેથી રાજકોટ AIIMS સંપૂર્ણ ક્ષમતાથી કાર્યરત થઈ શકે અને ગુજરાત, ખાસ કરીને સૌરાષ્ટ્રના લોકોને ઉત્તમ આરોગ્ય સંભાળ સેવાઓ મળી રહે. આ પદો ભરાયા બાદ હોસ્પિટલની વહીવટી અને નાણાકીય કામગીરી વધુ સુદ્રઢ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.