મોરબી : મોરબીની મયુર ચોપાટી પર બાંકડા વધુ મૂકવાની સામાજિક કાર્યકરોની રજૂઆતને પગલે લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ આગળ આવ્યું છે અને મયુર ચોપાટી પર 50 નવા બાંકડા મૂકવાની તૈયારી દર્શાવી છે. જો મહાનગરપાલિકાના કમિશનર અને અન્ય વહીવટી તંત્ર દ્વારા સંમતિ આપવામાં આવે તો આ કાર્ય ટૂંક સમયમાં પૂર્ણ થશે.આ અંગે મોરબીના સામાજિક કાર્યકરો રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, દેવેશભાઈ રાણેવાડીયા અને ગિરિશભાઈ કોટેચાએ તાજેતરમાં મહાનગરપાલિકાના કમિશનર અને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને લેખિત રજૂઆત કરી હતી. આ રજૂઆતને ધ્યાનમાં રાખીને લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા મયુર ચોપાટી પર 50 બેન્ચ મૂકવાની તૈયારી બતાવી છે. ક્લબ દ્વારા અગાઉ પણ મોરબીમાં 250 થી વધુ બાંકડા મુકવામાં આવ્યા છે, જેમાં જડેશ્વર મંદિર, શોભેશ્વર મંદિર, સરદાર બાગ, કેસર બાગ, અને નગરપાલિકા ગાર્ડન જેવા વિવિધ સ્થળોનો સમાવેશ થાય છે. લાયન્સ ક્લબના આ પ્રશંસનીય પગલાથી મયુર ચોપાટી પર આવતા લોકોને ઘણી રાહત મળશે તેવી આશા છે. હવે માત્ર વહીવટી તંત્રની લીલીઝંડીની રાહ જોવાઈ રહી છે.