રસ્તાની બાજુમાં ગટરના ગંદા પાણી ભરાયેલા રહેતા લોકોને ભારે હાલાકીમોરબી : મોરબી શહેરના શનાળા રોડ પર હાઉસિંગ બોર્ડથી નવા બસ સ્ટેન્ડ સુધીની તમામ ગટરો ઉભરાઈ રહી છે. જેના કારણે અનેક લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મોરબી મહાનગરપાલિકા દ્વારા યોગ્ય રીતે કામગીરી કરવામાં આવી ન હોય હજુ પણ ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે અને રોડની સાઈડમાં ગટરોના આ પાણી ભરાયેલા રહે છે. હાઉસિંગ બોર્ડથી લઈને છેક નવા બસ સ્ટેન્ડ સુધી આ સમસ્યા ઉદભવી છે. બસ સ્ટેન્ડના ગેટ પાસે પણ ગટરના ગંદા પાણી ભરાયેલા રહે છે જેના કારણે બસ સ્ટેન્ડમાં આવતા-જતાં અનેક મુસાફરોને પરેશાની થઈ રહી છે. આ ઉપરાંત અન્ય રાહદારીઓ અને વાહનચાલકોને પણ આ ગટરના ગંદા પાણીમાંથી ચાલવા મજબૂર થવું પડી રહ્યું છે.ગટરના ગંદા પાણી રોડની સાઈડમાં ભરાઈ રહેતા ગંદકી વધી છે અને મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે. જો મહાનગરપાલિકા દ્વારા ગટરની યોગ્ય રીતે સફાઈ કરવામાં આવે તો ગટર ઉભરાવાની સમસ્યામાંથી છૂટકારો મળી શકે તેમ હોવાનું લોકો જણાવી રહ્યા છે. ત્યારે તાત્કાલિક ધોરણે શનાળા રોડ પર હાઉસિંગ બોર્ડથી લઈને નવા બસ સ્ટેન્ડ સુધી ગટરની યોગ્ય સફાઈ કરવામાં આવે અને છલકાતી ગટરની સમસ્યા હલ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે.