ખાખરેચી ગામે 10થી વધુ કેસ નોંધાયા અને 3 ગાયોના મોત થયા, પશુપાલન અધિકારીને ખ્યાલ પણ નથી : વેણાસરમાં પણ અંદાજે 10 જેટલા કેસ, સુલતાનપુર, મણાબા, ચીખલી, વેજલપર, કુંભારીયામાં પણ અનેક ગાયો લમ્પીગ્રસ્તમોરબી : માળિયા મિયાણા પંથકમાં ગાયોમાં ફરી લમ્પી વાયરસના કેસો વધી રહ્યા છે. ખાખરેચીમાં તો ત્રણ ગાયોના મોત પણ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. પરંતુ તાલુકાના પશુ પાલન અધિકારીને આ મામલે ખ્યાલ પણ નથી. વધુમાં અનેક ગાયો લમ્પી વાયરસના કારણે મોત સામે ઝઝૂમી રહી છે તેવામાં પશુ પાલન વિભાગમાં નિષ્ક્રિયતા જોવા મળી રહી છે.ખાખરેચી ગામના ઋત્વિકભાઈ ભરવાડે જણાવ્યું કે તેઓના ગામમાં 10થી વધુ ગાયોને લમ્પી વાયરસની અસર છે. બે દિવસમાં 3 ગાયોના મોત પણ થયા છે. આ ઉપરાંત સુલતાનપુર, મણાબા, ચીખલી, વેજલપર, કુંભારીયા, વેણાસર સહિતના ગામોમાં પણ અનેક ગાયોમાં લમ્પી વાયરસની અસર દેખાઈ રહી છે.વેણાસર ગામના મહેશભાઈ મેવાડાએ જણાવ્યું કે તેમની 2 ગાયોને લમ્પી વાયરસ થયો છે. રસી મુકાયા નથી. ગઈકાલ સુધીમાં ગામમાં 10થી વધુ ગાયોને અસર હતી. હવે તેની સંખ્યા વધીને 15 થઈ છે. ગત વખતે લમ્પીના કહેર સમયે તેઓની 5 ગાયના મોત થયા હતા. ત્યારે સહાયની વાતો થતી હતી પણ કોઈ સહાય પણ મળી નથી. આ મામલે જિલ્લા પશુપાલન અધિકારી ફળદુએ જણાવ્યું કે 350 જેટલી ગાયોને વેકસીન મૂકી દીધા છે. ગાયોના મોત અંગેનો કોઈ રિપોર્ટ નથી. બીજી તરફ માળિયા તાલુકાના પશુપાલન અધિકારી ડો.હિમાંશુ અસારી સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે માળિયા તાલુકામાં લમ્પીના કેસ વધારે નથી. રસી કરણ કામગીરી ગામે ગામ ચાલુ છે. અંદાજે 1000 ગાયોને રસીકરણ કરવામાં આવ્યું છે. એક અઠવાડિયાથી રસી આપવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે જિલ્લા અને તાલુકાના અધિકારીઓએ આપેલા રસીકરણના આંકડામાં જમીન આસમાનનો ફરક હતો. ઉપરાંત તાલુકા પશુપાલન અધિકારીને તેમના વિસ્તારમાં લમ્પીના કેસ અંગે ખ્યાલ પણ ન હોવાનું ધ્યાને આવ્યું છે. બીજી તરફ ગામડાઓમાં પશુપાલન અધિકારી કચેરીના કોઈ સંપર્ક નંબર પણ ન હોય, તેઓ જરૂર પડ્યે અધિકારીઓનો સંપર્ક પણ કરી શકતા નથી. માટે માળિયા પશુપાલન વિભાગે ગામડાઓમાં જાગૃતિ ફેલવવાની તાતી જરૂરિયાત જણાઈ રહી છે. સાથે તાલુકામાં લમ્પીના કેટલા કેસ છે તેનો સર્વે કરાવવાની જરૂર છે.