સુરેન્દ્રનગર એસીબીએ ભીમસર ચોકડી નજીક છટકું ગોઠવી કોન્સ્ટેબલ વતી રૂ.1 લાખની લાંચ લેનાર વચેટીયાને દબોચ્યો હતો, કોન્સ્ટેબલ ફરાર થઈ ગયો હતોમોરબી : માળીયા મીયાણા પોલીસ મથકના કોન્સ્ટેબલે એક વ્યક્તિને ખોટા કેસમાં ફિટ નહીં કરવાના બદલામાં રૂપિયા એક લાખની લાંચ માંગી પોતાના વચેટિયાને આ લાંચ લેવા મોકલ્યો હતો. ત્યારે એસીબીએ વચેટિયાને ઝડપી લીધો હતો પરંતુ કોન્સ્ટેબલ ફરાર હતો. જે સામેથી હાજર થતા ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.પ્રાપ્ત વિગતો મુજબ 12 જુલાઈના રોજ માળીયા મિયાણા તાલુકામાં રહેતા એક વ્યક્તિને ખોટા કેસમાં ફિટ નહિ કરવાના બદલામાં માળીયા મિયાણા પોલીસ મથકના કોન્સ્ટેબલ રાયમલભાઈ નાનજીભાઈ સીયાળ દ્વારા એક લાખની લાંચ માંગવામાં આવી હતી. જો કે, અરજદાર ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી લાંચ અંગે સુરેન્દ્રનગર એસીબી ટીમને ફરિયાદ કરતા એસીબી ટીમે ભીમસર ચોકડી નજીક છટકું ગોઠવતા કોન્સ્ટેબલ રાયમલભાઈએ લાંચની રકમ ગુલામરસુલ હૈદરભાઈ જામ નામના વ્યક્તિને આપવા જણાવતા એસીબી ટીમની હાજરીમાં આરોપી ગુલામરસુલ એક લાખની લાંચની રકમ સ્વીકારતા રંગે હાથ ઝડપાઈ ગયો હતો. આ મામલે દ્વારકાની ટિમ પાસે તપાસ હતી. આ કોન્સ્ટેબલ માળિયા પોલીસ સ્ટેશને હાજર થતા તેની વિધિવત ધરપકડ કરવામાં આવી છે. આજે સાંજે આ કોન્સ્ટેબલને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.