એસટીના બીજા અધિકારીઓ લેખિત ખાતરી સાથે મહેન્દ્રનગર પહોંચ્યા પણ મામલો થાળે ન પડ્યો, કોંગ્રેસ અને આપના નેતાઓ પણ ચક્કજામમાં જોડાયા : સુરવદર બસનો કંડકટર વિદ્યાર્થીઓને ગાળો આપતો હોવાનો પણ આરોપમોરબી : મોરબીના મહેન્દ્રનગરમાં વિદ્યાર્થીનીઓએ કરેલો ચક્કાજામ ત્રણ કલાક બાદ પણ યથાવત છે. એસટીના બીજા અધિકારીઓ લેખિત ખાતરી સાથે મહેન્દ્રનગર પહોંચ્યા પણ મામલો થાળે પડ્યો નથી. વિદ્યાર્થીઓની એક જ માંગ છે કે ડેપો મેનેજર અહી આવે.મહેન્દ્રનગરમાં એસટી બસો અનિયમિત આવે છે. ઉપરથી આવતી બીજી બસોમાં ચડવા દેવામાં આવતા નથી. કન્યા છાત્રાલય સહિતના સંકુલોમાં અભ્યાસ કરતા અંદાજે 80 વિદ્યાર્થીઓ અહીંથી દરરોજ બસમાં અપ ડાઉન કરે છે. આ સમસ્યાને કારણે આજે પ્રભુકૃપા ટાઉનશિપ પાસે અપડાઉન કરતા તમામ વિદ્યાર્થીઓએ સવારે 7 વાગ્યાથી ચક્કાજામ કર્યો છે. 10 વાગ્યાના અરસામાં એસટીના બીજા અધિકારીઓ લેખિત ખાતરી સાથે મહેન્દ્રનગર પહોંચ્યા છે.પણ વિદ્યાર્થીનીઓ એવી માંગ કરી રહી છે કે ડેપો મેનેજર અહીં આવે પછી જ ચક્કાજામ હટાવવામાં આવશે. આ ચક્કાજામમાં આપના પંકજ રાણસરિયા અને કોંગ્રેસના પુષ્પરાજસિંહ જાડેજા પણ જોડાયા છે. વિદ્યાર્થીનીઓએ એવા પણ આક્ષેપ કર્યા છે કે સુરવદરવાળી બસનો કંડકટર વિદ્યાર્થીનીઓને ગાળો આપતો હોવાથી ડેપો મેનેજર આ કંડકટરને પણ અહીં સાથે લેતા આવે.