દસ્તાવેજ નોંધણીમાં દૈનિક 50થી 90 જેટલા જ ટોકન, કુલ નોંધણીમાં 30 ટકા વેચાણ દસ્તાવેજ અને બાકીના મોર્ગેજ, છૂટાછેડાના ડોક્યુમેન્ટમોરબી : વિશ્વના બીજા નંબરના સૌથી મોટા સિરામિક હબ મોરબીમાં છેલ્લા છએક મહિનાથી મંદીના વાદળો ઘેરાયા હોવાના આંકડા સામે આવ્યા છે. સીરામીકના મંદીની સાથે સાથે જંત્રીદરમાં વધારો થવાની દહેશત બાદ હવે મોરબી મહાનગર પાલિકા દ્વારા નવા બાંધકામોની મંજૂરીના આકરા નિયમોને કારણે માર્ચ માસની તુલનાએ દસ્તાવેજ નોંધણીમાં મોટો ઘટાડો આવ્યો છે અને કુલ નોંધણી થતા ડોક્યુમેન્ટમાંથી માત્ર 30 ટકા જ વેચાણ દસ્તાવેજ થતા હોવાનું સામે આવ્યું છે.વિકાસની હરણફાળ ભરી રહેલા મોરબી શહેરમાં જાન્યુઆરી 2025થી મહાનગર પાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ નગરપાલિકા શાસનમાં ચાલતી હતી તેવી લાલિયાવાડી બંધ થતાં નવા બાંધકામની મંજૂરી બંધ થઈ છે. મોરબી શહેરની જેમ જ ગ્રામ્ય વિસ્તારમાં પણ બાંધકામ મંજૂરી માટેના નિયમો આકરા બન્યા હોવાથી જિલ્લામાં રિયલ એસ્ટેટના બિઝનેશ ઉપર માઠી અસર પડી છે. ગત જૂન માસમાં મોરબી જિલ્લામાં 2039 ડોક્યુમેન્ટ રજીસ્ટર્ડ થયા હતા જેમાં 30 ટકા જેટલા વેચાણ દસ્તાવેજ અને બાકીના ડોકયુમેન્ટ મોર્ગેજ, છૂટાછેડા, એગ્રીમેન્ટ અને સુધારા વધારાના ડોક્યુમેન્ટ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. સાથે જ ચાલુ જુલાઈ માસમાં 19 દિવસમાં માત્ર 1300 ડોક્યુમેન્ટ જ રજીસ્ટર્ડ થયા હોવાનું સામે આવ્યું છે.મોરબીમાં રિયલ એસ્ટેટ સાથે જોડાયેલ લોકોના મતે એપ્રિલ અને મે માસમાં જંત્રી વધવાની અફવાના કારણે મોરબી જિલ્લામાં દસ્તાવેજ નોંધણી વધી હતી. બાદમાં ફરી મંદી છવાઇ છે. હાલમાં મહાનગરપાલિકા દ્વારા નવી મંજૂરી આપવામાં આવતી નથી એ જ રીતે જિલ્લા વિકાસ અધિકારીના પરિપત્ર બાદ ગ્રામ્ય વિસ્તારોમાં પણ બાંધકામ મંજૂરી ન મળવાના કારણે હાલમાં પ્લોટની જગ્યા એ ખેતીમાં લોકો રોકાણ કરવા મંડ્યા છે.હાલમાં જે નવા વેચાણ દસ્તાવેજો થાય છે તેમાં 50 ટકા ખેતીના દસ્તાવેજ થતા હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ મોરબી જિલ્લામાં હાલમાં ગરવી સાઇટ ઉપરથી દરરોજના 130 જેટલા ટોકનની વ્યવસ્થા સામે માત્ર 50થી 90 જેટલા ટોકન જ જતા હોવાનું સબ રજિસ્ટ્રાર કચેરીના સૂત્રો જણાવી રહ્યા છે. એકંદરે મોરબીમાં બાંધકામ પરવાનગીને બ્રેક લાગવા ઉપરાંત સિરામિક ઉદ્યોગની મંદીની અસર રિયલ એસ્ટેટ ઉપર જોવા મળી છે.ક્યાં મહીનામાં કેટલા દસ્તાવેજ નોંધાયા ?જાન્યુઆરી - 2624ફેબ્રુઆરી - 2158માર્ચ - 3188એપ્રિલ - 1966મે - 2507જૂન - 2039કુલ 14,432