મોરબી : હવામાન વિભાગની આગાહી મુજબ મોરબી જિલ્લામાં સતત બીજા દિવસે મેઘકૃપા વરસી રહી છે. વહેલી સવારથી વરસાદ શરૂ થયા બાદ ટંકારા પંથકમાં મેઘરાજાએ વિશેષ હેત વરસાવતા એક ઇચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે અન્ય તાલુકાઓમાં એક મીમીથી લઈ દસ મીમી સુધી વરસાદ નોંધાયો હતો.રાજ્યના હવામાન વિભાગે આજે રવિવારે સૌરાષ્ટ્રમાં કચ્છ, જામનગર અને મોરબી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હોય આગાહી મુજબ જ વહેલી સવારે 6 વાગ્યાથી મોરબી જિલ્લામાં મેઘકૃપા વરસી રહી છે જેમાં બપોરે 12 વાગ્યા સુધીમાં ટંકારામાં 27મીમી,વાંકાનેરમાં 10 મીમી, માળીયા મિયાણામાં 4 મીમી, મોરબીમાં 2 મીમી અને હળવદમાં 1 મીમી વરસાદ વરસ્યો હતો.બીજી તરફ ટંકારા અને નજીકના ગામોમાં એક ઇંચથી વધુ વરસાદને કારણે ખેડૂતોના મુરઝાતા મોલ ઉપર અમૃત વરસતા ખેતરોમાં ઉભેલા કપાસ, મગફળી અને અન્ય પાકો માટે અનુકૂળ સ્થિતિ સર્જાતા ખેડૂતો ખુશખુશાલ બન્યા છે. ગઈકાલે મોરબી અને માળીયા તેમજ હળવદ પંથકમાં પણ ખરા સમયે મેઘકૃપા વરસતા ખેડૂતો આનંદમાં આવી ગયા છે.