લાંબા વિરામ બાદ જ્યારે મોલને જરૂરિયાત હતી ત્યારે જ ગ્રામ્ય વિસ્તારોમાં દોઢથી બે ઇંચ જેટલો વરસાદ પડતાં ખેડૂતોમાં આનંદ છવાયો : આજનો વરસાદ મોલ માટે જીવનદાન સમાન ગણાવતા ખેડૂતોમોરબી : મોરબી જિલ્લાના અનેક વિસ્તારોમાં લાંબા સમય બાદ આજે ફરી મેઘકૃપા વરસી છે. ત્યારે આજનો આ વરસાદ પાક માટે કાચા સોના જેવો સાબિત થયો છે. મોલને જરૂરિયાત હતી ત્યારે જ ગ્રામ્ય વિસ્તારોમાં દોઢથી બે ઇંચ જેટલો વરસાદ પડતાં ખેડૂતોમાં આનંદ છવાયો છે. ખેડૂતો આ વરસાદને મોલ માટે જીવનદાન ગણાવી રહ્યા છે.રાજપર (કું)ના મનોજભાઈ ધોરીયાણીએ જણાવ્યું કે તેમના ગામમાં અંદાજે દોઢ ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. આ વરસાદ ખેડૂતો માટે ખૂબ સારો છે. ટાણે જ વરસાદ પડ્યો છે. મે 50 વિઘામાં કપાસનું વાવેતર કર્યું છે. અંતમાં તેઓએ ઉમેર્યું કે પાણીની અછતને કારણે ચોમાસાની એક જ સિઝન લઈએ છીએ. નાના દહીંસરાના ખેડૂત ગજેન્દ્ર ભાડજાએ જણાવ્યું કે અમારા ગામમાં સવારથી બપોર સુધીમાં દોઢ ઈંચ વરસાદ પડ્યો છે. પાકને વરસાદની ખાસ જરૂર હતી તેવા જ સમયે વરસાદ આવ્યો છે. મે 70 વિઘામાં કપાસ વાવ્યો છે. અમે 10થી 12 દિવસથી સારા વરસાદની રાહ જોતા હતા. અમે ખેડ કરી હતી એટલે અઠવાડિયામાં પાણી આપવુ પડે. ત્યાં વરસાદ આવી ગયો. હવે 15 દિવસ પછી ફરી આવો વરસાદ આવે તો જમાવટ થાય. જો સતત વરસાદ ચાલુ રહે તો કપાસ બળી જવાની શક્યતા રહે. ગયા વર્ષે અતિવૃષ્ટિ જેવું હતું તેમા કપાસ બળી ગયો હતો. જેથી ગયા વર્ષે 70 વિઘામાં માત્ર 440 મણ કપાસ થયો હતો. સામાન્ય રીતે 1100 મણ જેવો થતો હોય છે. ખેવારિયાના મુકુંદભાઈએ જણાવ્યું કે મોલને પાણી જોતું હતું. તેવા સમયે જ મેઘરાજાએ કૃપા વરસાવી છે. મે કપાસ, જાર, મગફળી વાવી છે. સમયસર વરસાદ આવ્યો છે. અમારે ગામમાં દોઢેક ઈંચ વરસાદ પડ્યો છે. અત્યારનો આ વરસાદ તમામ પાક માટે કાચા સોના જેવો છે. માળિયાના સુલતાનપુર ગામના ખેડૂત ભાવેશભાઈ વિડજાએ જણાવ્યું કે તેમના ગામમાં બેથી અઢી ઇંચ વરસાદ પડ્યો છે. અમે કપાસ અને કેરડા વાવ્યા છે. અતિ જરૂરિયાત હતી ત્યારે જ વરસાદ આવ્યો છે. હવે મહિનો નિરાંત રહેશે. ગત વર્ષે મારે એકને જ કોઈ વાંધો આવ્યો ન હતો. બાકી અતિવૃષ્ટિ જેવું હતું એટલે નુકસાની હતી.