અનેક રોડ ઉપર વાહન વ્યવહાર ધીમો પડ્યો : અનેક વિસ્તારોમાં ઘરો-દુકાનોમાં પણ પાણી ઘુસ્યામોરબી : મોરબીમાં છેલ્લા એક કલાકથી મેઘરાજાએ બઘડાટી બોલાવી છે. જેને કારણે શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. જેના કારણે અનેક મુખ્ય રસ્તાઓ ઉપર વાહન વ્યવહાર ધીમો પડ્યો છે. મોરબીમાં સવારે 10:15 વાગ્યાના અરસામાં વરસાદ શરૂ થયો હતો. જે હાલ સુધી ચાલુ છે. ભારે વરસાદને કારણે શહેરના અનેક રાજમાર્ગો જળમગ્ન બન્યા છે. શનાળા મેઈન રોડ ઉપર સરદારબાગથી લઈ અડધો કિમિ સુધીમાં સૌથી વધુ પાણી ભરાયા છે. કન્યા છાત્રાલય રોડ સહિતના વિસ્તારોમાંથી અહીં પાણી આવે છે. વરસાદ વિરામ લ્યે તેને એકાદ કલાક બાદ અહીં પાણી ઓસરે છે. આ પાણી ભરાવાને કારણે ટ્રાફિક જામની પણ સમસ્યા અનેક સ્થળોએ જોવા મળી રહી છે.વધુમાં ગુરુદતાત્રેય મંદિર સામે વોકળા દીવાલ પાસે એક ગાડી ઉભી હતી. વોકળા પાસેની માટી ખસી જતા આ ગાડી નમી ગઈ હોવાનું જાણવા મળ્યું છે. જો કે સદનસીબે મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી.