કોન્ટ્રાકટરને આના પૈસા નહિ ચૂકવાય, ઉઘાડ નીકળે ત્યારબાદ ફરીથી કામ શરૂ કરાશે : અધિકારીમોરબી : આજે મેઘાવી માહોલ વચ્ચે ચાલુ વરસાદે કોયલી-ખાનપર રોડ ઉપર ડામરનું કામ કરવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું છે. પાણીના કારણે ડામર રહેતો ન હોવા છતા પણ અહીં ચાલુ વરસાદે ડામરથી પેચ વર્કનું કામ કરીને તંત્રએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું હતું. આ મામલે માર્ગ અને મકાન (પંચાયત) વિભાગના કાર્યપાલક ઈજનેર દિવ્યેશ બાવરવા સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે કોન્ટ્રાકટરે આજે ઉઘાડ હતો એટલે સવારે 5 વાગ્યે ડામરનો પ્લાન્ટ ચાલુ કરાવ્યો હતો. 7 વાગ્યે તેઓ કામ શરૂ કરવા નીકળી ગયા હતા. મોડે સુધી વરસાદ ન હતો. કામ બરાબર ચાલી રહ્યું હતું. પણ બાદમાં વરસાદ શરૂ થયો હતો. આ કામ માટે કોન્ટ્રાકટરને પૈસા ચૂકવાશે નહી અને ઉઘાડ નીકળ્યા બાદ ફરીથી અહીં પેચવર્કનું કામ શરૂ કરાશે.