આપણા લોહ પુરૂષનું અપમાન જરા પણ સાંખી નહિ લેવાય, મોટી સંખ્યામાં લોકોને આવતીકાલે એ ડિવિઝન પોલીસ મથકે આવી દેશપ્રેમ દેખાડવા હાંકલમોરબી : દેશના ગૌરવ એવા સરદાર વલ્લભભાઈ પટેલ વિશે અપમાનજનક ટિપ્પણી કરનાર રાજ ઠાકરે વિરૂદ્ધ મોરબીમાં રોષ જોવા મળી રહ્યો છે. પાટીદાર યુવા સેવા સંઘના અગ્રણી મનોજ પનારાએ આ ઘટનાને વખોડીને આવતીકાલે તેમના વિરુદ્ધ FIR નોંધાવવા એ ડિવિઝન પોલીસ મથકે જવાનું એલાન કર્યું છે. જેમાં મોટી સંખ્યામાં લોકોને જોડાવા આહવાન કરવામાં આવ્યું છે.આ અંગે મનોજભાઈ પનારાએ જણાવ્યું કે રાજ ઠાકરેએ સરદાર સાહેબ વિશે બફાટ એટલા માટે કર્યો છે કે તેમની રાજકીય જમીન ખસી ગઈ છે. એમની પાર્ટી ખતમ થઈ ગઈ છે. રાજકીય લાભ લેવા માટે રાષ્ટ્રના મહાનાયક એવા સરદાર વલ્લભભાઈ પટેલ ઉપર ટીકા ટિપ્પણી કરી સરદાર સાહેબનું અપમાન કર્યું છે. રાજ ઠાકરે સરદાર સાહેબને શું માને છે, કે શું નથી માનતા એનાથી આ દેશના લોકોને કોઈ જ ફરક પડતો નથી. સરદાર પટેલ આ દેશના લોહપુરુષ છે અને રાષ્ટ્રના ઘડવૈયા છે. આ દેશ સરદાર સાહેબને લોખંડી પુરુષ માને છે. એટલા માટે રાજ ઠાકરેના નિવેદનને હું સંપૂર્ણપણે વકોડી કાઢું છું.રાજ ઠાકરે જેવા બે કોડીના માણસ સરદાર પટેલ સાહેબનું મૂલ્યાંકન કરવાને લાયક નથી. એમના ઉપર વાત કરવાને પણ લાયક નથી. સરદાર સાહેબને સમજવા હોય તો તેમને વાંચવા પડે. પરંતુ આવા રાજકીય બેગ્રાઉન્ડ ધરાવતા લોકો રાજકીય ફાયદો લેવા માટે સરદાર સાહેબને બદનામ કરે તે યોગ્ય નથી. ગુજરાતના પનોતા પુત્ર મોરારજીભાઈ દેસાઈને પણ તેમને બદનામ કર્યા છે. તે પણ યોગ્ય નથી. અમે આવતીકાલે સવારે 11 વાગ્યે રાજ ઠાકરે વિરુદ્ધ FIR દાખલ કરાવવા એ ડિવિઝન પોલીસ મથકે જવાના છીએ. હું પાટીદાર યુવા સેવા સંઘના મિત્રોને જાહેર આમંત્રણ આપું છું સાથે મોરબીની તમામ જનતાને પણ આમાં જોડાઈ દેશપ્રેમ દેખાડવા આહવાન કરૂ છું.રાજ ઠાકરેએ સરદાર સાહેબ વિશે શુ અપમાનજનક નિવેદન આપ્યું ? વાંચોમહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના રાજ ઠાકરેનું સરદાર વલ્લભભાઈ પટેલ પર નિવેદન આપતા કહ્યું કે મુંબઈને મહારાષ્ટ્રમાંથી અલગ કરવાનો દાવો અમુક ગુજરાતી વ્યાપારી અને ગુજરાતી નેતાનો હતો. આચાર્ય આત્રેનું પુસ્તક વાંચતા મને આઘાત લાગ્યો કે મુંબઈ મહારાષ્ટ્રને મુંબઈ ન મળે એના માટેનું પહેલું જે નિવેદન આવ્યું તે વલ્લભભાઈ પટેલે આપ્યું હતું. વલ્લભભાઈએ કહ્યું કે, મુંબઈ મહારાષ્ટ્રને ન આપતા. વલ્લભભાઈ પટેલ જેમને અત્યાર સુધી અમે લોહપુરુષ માનતા હતા. જે જે વખતે મહારાષ્ટ્રમાં આંદોલન થયા છે તે વખતે આ મોરારજી દેસાઈએ ગોળીબાર કરીને મરાઠી લોકોને મહારાષ્ટ્રમાં ઠાર માર્યા હતા. અનેક વર્ષોથી આ લોકોની મુંબઈ પર નજર છે.