ગટર અને પીવાનું પાણી ભળી હોવાથી સ્થાનિકોમાં આક્રોશ : અનેક રજૂઆતો છતાં પરિણામ ન આવતા જનઆંદોલન શરૂહળવદ : મોરબીમાં પાયાના પ્રશ્નોને લઈને ચક્કજામો કરવામાં આવ્યા હતા. જેની અસર હવે હળવદમાં પણ જોવા મળી રહી છે. હળવદમાં પણ લોકોએ સરા રોડ ઉપર પાણીના પ્રશ્ને ચક્કાજામ શરૂ કર્યો છે. જો કે હાલ પોલીસ દ્વારા સ્થાનિકોને સમજાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરંતુ સ્થાનિકો મક્કમ છે. હળવદના સરા રોડ ઉપર વોર્ડ નં.5માં આવેલ હરીનગર સોસાયટીમાં છેલ્લા ઘણા વર્ષોથી પાલિકા દ્વારા અપાતાં પાણીમાં ગટરનું પાણી ભળી જતું હોવાની સમસ્યા છે. આ મામલે સ્થાનિકોએ અનેક રજૂઆતો કરી હોવા છતાં પણ નિરાકરણ ન આવ્યું હોવાથી રોષે ભરાયેલા સ્થાનિકોએ સવારે સરા રોડ ઉપર ચક્કાજામ કર્યો છે. જો કે હાલ પોલીસ દ્વારા સ્થાનિકોને સમજાવવામાં આવી રહ્યા છે. પરંતુ સ્થાનિકો દ્વારા અંદાજે એકાદ કલાકથી ચક્કાજામ હજુ યથાવત રાખવામાં આવ્યો છે.