વર્ષોથી પડેલા 65 ટન જેટલા ભંગારની હરાજી કરવામાં આવીમોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા આજ રોજ ભંગાર અંગે હરાજી યોજાઈ હતી. જેમાં મહાનગરપાલિકા દ્વારા કચેરીમાં અને અલગ અલગ જગ્યાએ વર્ષોથી પડેલા ભંગારની અપસેટ કિંમત નક્કી કરીને જે એજન્સીના ભાવ વધુ આવ્યા હોય તેઓને આ ભંગાર આપવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.આ અંગે મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર સંજય સોનીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, મોરબી મહાનગરપાલિકા બન્યા પછી કમિશનર દ્વારા મોરબી મહાનગરપાલિકાની મુખ્ય કચેરી અને અન્ય જગ્યાઓએ જે ભંગાર પડ્યો હતો અને બિન વપરાશી વસ્તુઓ હતી તેની નિયમોનુસાર કાર્યવાહી કરાવી હતી. સૌપ્રથમ તેની વેલ્યુ નક્કી કરાવી હતી અને ત્યારબાદ જાહેર હરાજી માટે જાહેરાત આપવામાં આવી હતી. ત્યારબાદ આજે નંદીઘર ખાતે વેચાણની પ્રક્રિયા ચાલુ કરી હતી. જેમાં 20 જેટલા સ્ક્રેપના વેપારીઓ હાજર રહ્યા હતા. ચાર અલગ અલગ જગ્યાએ ભંગાર રાખવામાં આવ્યો હતો. ત્યાં સ્ક્રેપના વેપારીઓને વિઝિટ કરાવીને મોરબી મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે જાહેર હરાજી રાખવામાં આવી હતી.હરાજીમાં મોરબી મહાનગરપાલિકા પાસે રહેલા 65 ટન જેટલો જુદી જુદી કેટેગરીનો ભંગાર હતો તેમાં જે વેપારીએ સૌથી ઉંચી બોલી લગાવી હતી તેને આ સ્ક્રેપ આપવામાં આવશે. જેમાં આજે અલગ અલગ ત્રણ એજન્સીને વિવિધ કેટેગરીનો ભંગાર આપવામાં આવશે. મોરબી મહાનગરપાલિકાએ જે અપસેટ ભાવ નક્કી કર્યો હતો તેનાથી 20 ટકા વધારે ભાવની બોલી લગાવવામાં આવી હતી. જેથી મહાનગરપાલિકા દ્વારા આ ભાવ મંજૂર કરી એજન્સીઓને ભંગાર આપવામાં આવશે. હાલ 25 હજાર ડિપોઝિટ લઈને હરાજીની કાર્યવાહી ચાલુ કરાવી હતી. હવે જે એજન્સીનો ભાવ વધારે છે તે એજન્સીને જે-તે કેટેગરીનો ભંગાર વજન કરાવીને આપવામાં આવશે.વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ કાર્યવાહીથી મહાનગરપાલિકાની જે જગ્યા છે તે ખુલ્લી થશે અને અંદાજિત 25 થી 30 લાખ રૂપિયાની આવક થવાની શક્યતા છે. નગરપાલિકા હતી તે વખતથી લગભગ 2001થી આ પ્રકારે કોઈ હરાજી થઈ નહતી. આ ભંગારમાં લોખંડ, રેકડીનો સામાન, પ્લાસ્ટિક, ટાયર, મેટલની વસ્તુઓ, લાકડુ સહિત કુલ 9 કેટેગરીનો ભંગાર હતો.