ચેકના નાણા જજમેન્ટના તબકકે કોર્ટમાં જમા કરાવવાથી ફરીયાદ ડીસમીસ થતી નથી, કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદોમોરબી : મોરબીમાં ચેક રિટર્ન કેસમાં ચેક મુજબની રકમ આરોપી દ્વારા કોર્ટમાં જમા કરાવવા છતા કોર્ટે આરોપીને એક વર્ષની કેદની સજા તથા ફરીયાદીને બમણી રકમનું વળતર આપવાનો સિમાચિહનરૂપ હુકમ કર્યો છે.કેસની હકીકત એવી છે કે ફરીયાદી મોરબીના વતની દિનેશચંદ્ર વાડીલાલ વડોદરીયાએ, આરોપી એવા મોરબીના વતની રોહિતભાઈ જીવાભાઈ ઝાલાવાડીયાને સને ૨૦૧૫માં હાથ ઉછીની રકમ રૂા. ૧૦,૦૦,૦૦૦/- આપેલ અને આ રકમમાંથી બાકી ૨કમ રૂા ૯,૬૦,૦૦૦/- પરત ચૂકવવા માટે રોહિતભાઈ જીવણભાઈ ઝાલાવાડીયાએ રૂા.૯,૬૦,૦૦૦/- નો એક ચેક ફરીયાદીને આપેલ હતો. આ ચેક ફરીયાદીએ નાણા વસુલવા તેના ખાતામાં રજુ કરતા ચેક વણચૂકવ્યો પરત થતા ફરીયાદીએ આરોપી રોહિતભાઈ વિરૂધ્ધ મોરબી કોર્ટમાં ફોજદારી કેસ નાં. ૧૫૯૫/૨૦૨૧ દાખલ કરેલ હતો. આ કેસ ચાલી જતા જજમેન્ટના તબકકે, આરોપી રોહિતભાઈએ ચેકની બાકી નિકળતી રકમ રૂા. ૯,૬૦,૦૦૦/- નામ. કોર્ટમાં જમા કરાવેલ હતી. જેની સામે ફરીયાદી દિનેશચંદ્ર વાડીલાલ વડોદરીયાના વકીલ ચિરાગ ડી. કારીઆ એ નામદાર સુપ્રિમ કોર્ટ અને જુદી જુદી હાઈકોર્ટના ચુકાદાઓ ટાંકીને ધારદાર દલીલ કરેલ કે, ચેકના નાણા કેસ દાખલ કર્યાના ચાર વર્ષ બાદ જજમેન્ટના તબકકે કોર્ટમાં જમા કરાવવાથી, ફરીયાદ ડીસમીસ થતી નથી કે આરોપીને નિર્દોષ ઠરાવી છોડી શકાતા નથી. આરોપીને સજા કરવી જોઈએ તેમજ ફરીયાદીને થયેલ નાણાકીય નુકશાનનું યોગ્ય વળતર મળવું જોઈએ. તેવી દલીલો કરેલ હતી.ફરીયાદ પક્ષે રજૂ કરાવેલ પુરાવાઓ, દલીલો તથા દલીલ વખતે રજુ કરાવેલ નામ. હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈને મોરબીના મહે. ત્રીજા એડીશ્નલ ચીફ જ્યુડીશ્યમલ મેજીસ્ટ્રેટ શ્રીમતી સી.વાય.જાડેજા મેડમે આરોપી રોહિતભાઈ જીવણભાઈ ઝાલાવાડીયાને એક વર્ષની કેદની સજા અને ચેકની રકમથી બમણી રકમનું વળતર રૂા. ૧૯,૨૦,૦૦૦/- ફરીયાદીને ચૂકવી આપવાનો મહત્વનો ચુકાદો જાહેર કરેલ છે.આ કેસમાં ફરીવાદ પક્ષે વકીલ તરીકે ચિરાગ ડી. કારીઆ તથા રવી કે. કારીયા રોકાયેલ હતા.