મોરબી મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેના હસ્તે લાઈબ્રેરી ખુલ્લી મુકાઈ મોરબી : મોરબીમાં વાંચન પ્રેમી જનતા તેમજ ગવર્નમેન્ટ એક્ઝામની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ગ્રીનચોકની ઐતિહાસિક લાઈબ્રેરી રીડિંગ રૂમ સાથે પુન: શરૂ કરવામાં આવી છે. આ લાઇબ્રેરીનું ઉદ્ઘાટન મ્યુનિસિપલ કમિશ્નર સ્વપ્નિલ ખરે દ્વારા કરવામાં આવ્યું છે.આ દરમિયાન મોરબી મ્યુનિસિપલ કમિશ્નર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું હતું કે, શહેરમાં આવેલી ગ્રીનચોક લાઈબ્રેરી છેલ્લા ત્રણેક વર્ષથી બંધ પડી હતી. તેની ફરીથી શરૂઆત કરવામાં આવી છે. આ લાઈબ્રેરીને રીડિંગ રૂમ તરીકે ડેવલપ કરવામાં આવી છે. આ પહેલા UPSC - GPSC માટે એક સેમિનાર યોજવામાં આવ્યો હતો. આ સેમીનારમાં પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓની રીડિંગ રૂમ ન હોવાની રજુઆત હતી. હાલ જે બે લાઈબ્રેરીઓ કાર્યરત છે જેમાં શ્રીમદ રાજચંદ્ર લાઈબ્રેરી અને કેસરબાગ લાઇબ્રેરી આ બંને લાઇબ્રેરીમાં બુકસનું કલેક્શન સારું છે. પરંતુ ત્યાં બેસવા માટે જગ્યા નથી. ત્યારે ગ્રીનચોક લાઈબ્રેરી કમ રીડિંગ રૂમ છે. જ્યાં બેસવા માટે પૂરતી જગ્યા છે. તેમને વધુમાં જણાવ્યું કે, આ લાઇબ્રેરીમાં 50 જેટલા લોકો બેસીને શાંતિથી વાંચન કરી શકે તેવી વ્યવસ્થા છે. આ લાઇબ્રેરી ચોથા માળે હોવાથી અહીં ડિસ્ટ્રેકશન ફ્રી એન્વાયરમેન્ટ મળી રહે છે. આ લાઇબ્રેરીમાં UPSC, GPSCની તૈયારી કરતા વિદ્યાર્થીઓને શાંતિપૂર્ણ વાતાવરણ મળી શકે. આ લાઇબ્રેરીમાં બૂકસનું કલેક્શન હજુ વધારવામાં આવશે. તેમજ અન્ય બે લાઇબ્રેરીમાં જે બુક્સ છે તે અહીં લેવામાં આવશે. રાજકોટમાં જે પ્રમાણે બૂકસ ખરીદતા હોઈ છીએ એ પ્રમાણે ઠરાવ પણ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો છે. આગામી સમયમાં UPSC, GPSC, CA, JEE, NEET વગેરે પરીક્ષાની બુક ટૂંક સમયમાં આવવાની છે. આ ઉપરાંત કમિશ્નર દ્વારા વાંચન પ્રેમી જનતા તેમજ વિદ્યાર્થીઓને લાભ લેવા અપીલ કરાઈ હતી.