માળિયા (મિયાણા): માળિયા ગામમાં આવેલી જુના રેલ્વે સ્ટેશન પ્રાથમિક શાળામાં આવવા જવા માટે રસ્તો ન હોય વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી છે ત્યારે શાળા સુધી રોડ બનાવી આપવા માળિયા ગામના નાગરિક ઈબ્રાહીમ નૂરમહંમદ ભટ્ટીએ નગરપાલિકાના અધિકારીને રજૂઆત કરી છે.રજૂઆતમાં જણાવ્યું છે કે, જુના રેલવે સ્ટેશન પ્રાથમિક શાળામાં આવવા જવા માટે રસ્તો નથી. જેના કારણે વિદ્યાર્થીઓને કાચા, તૂટેલા અને કાદવ કીચડ વાળા રસ્તામાંથી ચાલીને જવું પડે છે. જેના કારણે વિદ્યાર્થીઓને મુશ્કેલીઓ પડી રહી છે. હાલ ચોમાસામાં આ રસ્તા ઉપર પાણી ભરાઈ જવાથી કિચડ જોવા મળી રહ્યો છે. જેમાં ઘણી વખત વિદ્યાર્થીઓ લપસીને પડી જાય છે અને ઈજા પણ થાય છે. અગાઉ આ અંગે ગ્રામજનો દ્વારા વર્ષ 2023 અને 2024માં પણ અરજી કરીને રસ્તો બનાવવા માગ કરવામાં આવી હતી. જોકે આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોય તાત્કાલિક આ બાબતે નિરાકરણ લાવી શાળા સુધી રસ્તો બનાવી આપવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે.